જામનગરના પંચેશ્વર ટાવર જેવા ધમધમતા વિસ્તારમાં ગઈરાત્રે દસેક વાગ્યે એક પ્રૌઢ પર બે શખ્સોએ છરી-ધોકા વડે હુમલો કરી તેઓને બેરહેમ માર મારતા ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યા છે. બાર વર્ષ પહેલા એક ગરબીમાં સહસંચાલન કરતા મહિલા સાથે વાતચીતનો સંબંધ થયા પછી શંકાથી પીડાતા તે મહિલાના પતિએ હુમલો કર્યાનું બહાર આવ્યું છે.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તાર સામે આવેલા ખારવા ચકલા નજીકની ટાંકા ફળીમાં રહેતા અને અગાઉ જામનગરના જિલ્લા પોલીસ તંત્રના વહીવટી વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા જનકભાઈ હીરાલાલ જોષી (ઉ.વ.પ૯) ગઈકાલે રાત્રે દસેક વાગ્યે પંચેશ્વર ટાવર પાસે આવેલી ટ્રાફિક શાખાની જૂની ઓફિસ નજીકથી પસાર થતા હતા ત્યારે ધોકા ધારણ કરી ત્યાં ધસી આવેલા ભરૃચના જડેશ્વર ગામના અશ્વિન છગનલાલ હાડા તથા જય હાડા નામના બે શખ્સોએ જનકભાઈને આંતરી લઈ માર મારવાનું શરૃ કર્યું હતું.
આ વેળાએ અશ્વિને પોતાની પાસે રહેલી છરી કાઢી જનકભાઈના માથામાં ઘા ઝીંકયો હતો. ગણતરીની મિનિટોમાં જનકભાઈને ઘાયલ કરી ઉપરોક્ત શખ્સો નાસી છૂટયા હતા. સ્થળ પર હાજર લોકોએ નિવૃત્ત કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓની સારવાર શરૃ કરાયા પછી આજે વહેલી સવારે પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૬માં જનકભાઈ જોષી નાગનાથ નાકા પાસે આવેલી એક ગરબીમાં સેવા આપતા હતા. આ વેળાએ અશ્વિન છગનલાલ હાડાના પત્ની મીનાબેન પણ તે ગરબી સાથે સંકળાયેલા હતા.
આ બાબતથી અશ્વિનને શંકા ગઈ હતી અને ત્યારથી તે શખ્સ ગિન્નાયેલો હતો. આ બાબતનો બાર વર્ષ પછી જનકભાઈ પર ખાર કાઢવામાં આવ્યો છે. પોલીસે તેઓના નિવેદન પરથી અશ્વિન તેમજ જય હાડા સામે આઈપીસી ૩૨૬, ૧૧૪, ૩૨૩, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, જામનગરના પોલીસ તંત્રના વહીવટી વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા જનકભાઈ સંગીત પ્રત્યે રૃચી ધરાવતા હોય, વર્ષાેથી કેટલાક કલાકારોની સાથે રહી મ્યુઝિક ગ્રુપમાં ઓર્ગેનાઈઝ કરતા હતા અને નવરાત્રિ કે અન્ય તહેવારોમાં સંગીત પીરસવાની સેવા પણ આપતા હતા તે દરમ્યાન જ બાર વર્ષ પહેલા નાગનાથ નાકા પાસે યોજાયેલી ગરબીમાં સાથી મહિલા કર્મચારી સાથે વાતચીત કરવાનું તેઓનું મોંઘું પડયું છે.