રૂા.૧.૧૭ કરોડ ચુકવી દીધા તેમ છતાં રૂા.૧ કરોડ વસુલ કરવા રિવોલ્વર બતાવી સ્કૂલે જતા બાળકોના અપહરણ કરી મોતને ઘાટ ઉતારવા ધમકી દઇ લૂંટ ચલાવી
જામનગર પંથકમાં વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસે ધોસ બોલાવી હોવા છતાં કેટલાક મોટા ગજાના વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી દાદાગીરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. જામનગરના બોકસાઇટના વેપારી પિતા-પુત્ર પાસેથી વ્યાજની મોટી રકમ વસુલ કરવા ગરાસીયા શખ્સે રિવોલ્વર બતાવી ધમકી દીધાની અને ઇનોવા કારમાં તોડફોડ કર્યાની તેમજ સ્કૂલે જતા તેના માસુમ બાળકોના અપહરણ કરી મોતને ઘાટ ઉતરાવાની ધમકી દઇ લૂંટ ચલાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંતી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના જય કો.ઓ.સોસાયટીમાં રહેતા અને ઝાખર ખાતે સૌરાષ્ટ્ર કેલસાઇન બોકસાઇટ નામની કંપની ચલાવતા અરવિંદભાઇ જમનાદાસ પાબારીએ વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા પાસેથી ધંધા માટે વ્યાજે લીધેલી રકમ રૂા.૧.૧૭ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ એક કરોડ વસુલ કરવા માટે ધાક ધમકી દઇ એક લાખની કિંમતના સોનાના ચેન, રૂા.૧૫ હજાર રોકડા, ચેકબુક, ફોટો આઇડીપ્રુફ અને કોરા સ્ટેમ્પ પેપરની લૂંટ ચલાવ્યાની પંચકોસી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં ગુરૂદ્વારા પાસે ઓફિસ ધરાવતા અરવિંદભાઇ પાબારી અને તેમના પુત્ર જય પાબારી ગત તા.૨૦ એપ્રિલે ઝાખરથી જામનગર આવી રહ્યા હતા ત્યારે જામનગર નજીક એરપોર્ટ રોડ પર કાળા કલરની સ્કોર્પીયોમાં આવેલા વનરાજસિંહ વાળાએ આંતરી ઇનોવા કારમાં તોડફોડ કરી સોનાનો ચેન, રોકડ અને ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી રિવોલ્વર બતાવી ખૂનની ધમકી દીધી હતી.
વનરાજસિંહ વાળા સાથે સમાધાન કરી રૂા ૧.૧૭ કરોડ ચુકવી દીધા હતા તેમ છતાં વનરાજસિંહ વાળાએ વધુ એક કરોડ વસુલ કરવા માટે જય પાબારી એક્ટિવા પર ગુરૂદ્વારા પાસે જઇ રહ્યો હતો ત્યારે તેને વનરાજસિંહ વાળા અને બે અજાણ્યા શખ્સોએ આંતરી એક કરોડ નહી આપે તો સ્કૂલે જતા તારા બાળકોના અપહરણ કરી હત્યા કરી બનાવને હત્યામાં ખપાવી દેશે તેવી ધમકી દીધી હતી. તેમજ જુદા જુદા મોબાઇલમાં ધમકી દેતા ઓડીયો ક્લિપ મોકલી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.વનરાજસિંહ વાળાની ધમકીના કારણે ડરેલા લોહાણા પરિવાર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ પંચકોસી બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. આર.બી.ગોજીયા સહિતના સ્ટાફે વનરાજસિંહ વાળા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.