જામનગરના વતની અને હાલમાં સુરતમાં રહેતા પટેલ આસામીનું જામનગર સ્થિત રૃા.અડધા કરોડનું મકાન પચાવી પાડવા માટે ત્રણ સગા ભાઈઓએ તજવીજ કરી આ આસામી પાસેથી બીજા સાંઈઠ લાખ પડાવી લઈ મોટરસાયકલ છીનવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના ગોકુલનગર નજીકના નારાયણનગરમાં રહેતા અને હાલમાં સુરતના કામરેજમાં રહેવા ચાલ્યા ગયેલા અરવિંદભાઈ વસરામભાઈ વિરાણી નામના પટેલ વેપારીએ ગયા વર્ષે ગોકુલનગરમાં રૃા.૫૦ લાખમાં એક મકાન ખરીદ્યું હતું ત્યાર પછી સુરત ચાલ્યા ગયેલા અરવિંદભાઈના આ મકાન પર ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા તથા તેના ભાઈઓ દશરથસિંહ અને કનકસિંહએ ડોળો ઠેરવી તે મકાનને પચાવી પાડવા માટે તજવીજ શરૃ કરી હતી.
હડમતિયા ગામમાં આવેલી પોતાની એક જમીનમાંથી ઉપજેલી રકમમાંથી અરવિંદભાઈએ ગોકુલનગરનું તે મકાન ખરીદ્યું હોય. આ મકાન પર કબજો જમાવવા ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ધાકધમકી આપવાનું શરૃ કર્યું હતું જેને વશ થઈ ગયેલા અરવિંદભાઈ પાસેથી ઉપરોકત મકાન અને રૃા.૬૦ લાખ બળજબરીથી કઢાવી લેવા તેનું લખાણ કરાવી ત્રણેય બંધુઓએ ચેક પડાવી લીધો હતો અને રૃા.પ૦ હજારની કિંમતનું અરવિંદભાઈનું મોટરસાયકલ લઈ લીધું હતું.
ઉપરોક્ત શખ્સોનું કૃત્ય છેલ્લા દસ મહિનાથી સહન કરતા અરવિંદભાઈએ આખરે વાજ આવી જઈને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ ધર્મેન્દ્રસિંહ, દશરથસિંહ અને કનકસિંહ જુવાનસિંહ જાડેજાએ રૃા.૬૦ લાખ બળજબરીથી પોતાની પાસેથી પડાવી લઈ પોતાનું રૃા.પ૦ લાખના મકાન પર ગેરકાયદે કબજો જમાવી મોટરસાયકલ પણ છીનવી લીધું છે અને તે દરમ્યાન ત્રણેય શખ્સોએ અરવિંદભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. એએસઆઈ એ.સી. નંદાએ આઈપીસી ૩૮૬, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.