જામનગર નજીકના વિભાપરમાં ગઈકાલે સવારે આઠ વર્ષની બાળકીનું પાણી પીવડાવવાના બહાને એક નરાધમે અપહરણ કર્યા પછી નજીકમાં આવેલા પાટા પાસે લઈ જઈ તેણી પર પાશવી કુકર્મ આચર્યું હતું. કકળતી હાલતમાં માતા પાસે પરત આવેલી આ બાળકીની કેફિયતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બનાવની હાથ ધરાયેલી તપાસ દરમ્યાન પોરબંદરમાંથી કુકર્મ આચરનાર રાક્ષસની એલસીબીએ અટકાયત કરી છે. આ શખ્સે દુષ્કર્મ કર્યાનો એકરાર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.
જામનગર નજીકના ગુલાબનગર પાછળ આવેલા વિભાપરમાં રહેતા એક મહિલા ગઈકાલે સવારે નવેક વાગ્યે પોતાની આઠ વર્ષની પુત્રી સાથે વિભાપરમાં આવેલી એક સ્કૂલમાં આવ્યા હતા. આ વેળાએ તે મહિલા અન્ય કામમાં પરોવાતા ફૂલ જેવી બાળકી શાળા પાસે રમવા લાગી હતી.તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ ત્યાંથી પસાર થયો હતો તેણે આ બાળકી પર કુદૃષ્ટિ નાખી પોતાનો ખરાબ ઈરાદો પાર પાડવા માટે મનોમન નક્કી કર્યા પછી તેની નજીક જઈ પીવાનું પાણી માગતા આ બાળકી તે શખ્સને પાણીનો ગ્લાસ આપવા માટે ગઈ હતી. ગ્લાસ લેતી વખતે આ શખ્સે બાળકીને ફોસલાવીને પોતાની સાથે આવવાનું કહી તેણીનું અપહરણ કર્યું હતું.
ત્યાર પછી નજીકમાં આવેલા રેલવેના પાટા પાસેના નિર્જન સ્થળે લઈ તે રાક્ષસે બાળકી પર પાશવી કુકર્મ આચર્યું હતું ત્યાર પછી બાળકીને જવા દીધી હતી. ફૂલ જેવી આ બાળકી કણસતી હાલતમાં પોતાની માતા જ્યાં હતી તે શાળા તરફ આવતી હતી ત્યારે કોઈએ બાળકીની આ હાલતથી તેણીની માતાને વાકેફ કરતા હાંફળીફાંફળી બનેલી માતા દોડી હતી, માતાને જોઈ હિબકે ચડેલી પુત્રીએ તૂટીફૂટી ભાષામાં પોતાના પર આચરાયેલા કૃત્યની વિગત આપતા માતા તથા ત્યાં એકઠા થયેલા લોકો ચોંકી ગયા હતા તે પછી બેડી મરીન પોલીસ સ્ટેશન પહોંચેલા વ્યક્તિઓએ પોલીસને વાકેફ કરતા એસપી સેજુળ પણ દોડી આવ્યા હતા.
તેઓએ પીએસઆઈ આર.એમ. મકવાણાને ગુન્હો નોંધવાની સૂચના આપતા ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદ પરથી આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એ) (બી), પોકસો એક્ટની કલમ ૪, ૬ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને ભોગ બનનાર બાળકીને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવની ગંભીરતા પારકી એસપીએ તાત્કાલિક તપાસનો આદેશ કરતા એએસપી ઉમેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજીમની ટૂકડીઓએ પીઆઈ આર.એ. ડોડિયા, એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવના સ્થળે પહોંચેલી પોલીસે બાળકી પાસેથી નરાધમ શખ્સના કપડાના મેળવેલા વર્ણન મુજબ આ શખ્સે આછા બ્લુ રંગનું જીન્સ તથા દુધિયા શર્ટ પહેર્યો હોય તેવા શખ્સની શોધ આરંભી ત્યાં મૂકવામાં આવેલા કેટલાક સીસીટીવીની ચકાસણી કરતા આરોપીની ઓળખ મળી જવા પામી હતી.