બાળકોમાં ચાઈનીઝ લાઈટવાળી રાખડીનો ક્રેઝ ઘટ્યો: ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોના કેસ ઓછા થતાં રાખડીનું વેચાણ વધ્યું
લોકડાઉન ખુલ્યા બાદ વેપાર-ધંધાએ રફતાર પકડી છે. આગામી 22 ઓગષ્ટ એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવાથી વેપારીઓ અવનવી ડિઝાઇનની રાખડીનો સ્ટોક કરવા લાગ્યા છે. પરંતુ ચાલુ વર્ષે શહેરમાં રાખડીનો ટ્રેન્ડ અન્ય શહેરની સરખામણીમાં અલગ જોવા મળી રહ્યો છે. શહેરમાં મોરની ડિઝાઇન, ગણપતિ, ઓમ, કડાવાળી અને કુંક ચોખા સાથે આવતી રાખડીનું વધુ વેંચાણ થઈ રહ્યું છે.
જ્યારે બાળકોમાં ચાઇનીઝ લાઈટવાડી રાખડીનો ક્રેઝ ઘટતા વેચાણ ઘટ્યું છે તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું છે. પરંતુ રાજકોટ, સુરતમાં આ વર્ષે કોરોના વેક્સિનવાળી અને રસી લીધેલા કોટવાળી રાખડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.જામનગરના રાખડીના વેપારી શાંતિભાઈ કાનાણીએ જણાવ્યું છે કે, ગત વર્ષે કોરોના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા થતા રાખડીનું વેંચાણ અત્યારથી સારું થઈ રહ્યું છે.
શહેરીજનોમાં આ વર્ષે મોરની ડિઝાઇન, ગણપતિ, ઓમ, ચાંદીની, એડી ડાઈમંડવાળી રાખડી ખૂબ ચાલી રહી છે.તદઉપરાંત કુંક ચોખા સાથે આવતી રાખડી અને કડાવાળી રાખડીની પણ માંગ સારી છે તો લુંબા રાખડીમાં પણ કડાવાળી રાખડી ટ્રેન્ડમાં છે. રાખડીના વેપારી ચાર્મી શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બાળકોમાં ચાઈનીઝ લાઈટવાળી રાખડીનો ક્રેઝ ઓછો થયો છે. જ્યારે સાદી કાર્ટૂનવાળી, સાયકલ, બાઇક તથા કારવાળી રાખડીની માંગ વધુ છે.
ભાઈ-ભાભીના ફોટા હોય એવી રાખડીનો પણ ક્રેઝ
શહેરમાં ચાલુ વર્ષે ભાઈ અથવા તો ભાઈ-ભાભીના ફોટાવાળી તથા તેઓના નામની અવનવી ડિઝાઇન સાથે કસ્ટમાઇઝ રાખડીનું ખૂબ ચલણ છે. બજારમાં રૂ. 5 થી 250થી વધુ કિંમતની રાખડીઓ ઉપલબ્ધ છે.