બજેટની નકલ આપવા બાબતે વિપક્ષએ હોબાળો મચાવતા પોલીસની મદદ લેવી પડી
જામનગર જિલ્લા પંચાયત ની અંદાજપત્ર સામાન્ય સભા જિ.પં. સભાગૃહમાં જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં વિપક્ષના આગેવાનો સભા શરૃ થાય તે પહેલા જ હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કરતા પોલીસની મદદથી તેમને બહાર લઈ જવાયા હતાં.
ત્યારપછી જિ.પં.ના એકાઉન્ટ્સ વિભાગના કેયુરીબેન ત્રિવેદી એ અંદાજપત્રની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જેમાં સ્વભંડોળમાંથી વિવિધ વિભાગો માટે અંદાજિત ખર્ચના આંકડા રજૂ થયા હતાં. પંચાયત અને વિકાસ ક્ષેત્ર માટે રૂ.77,10,000 શિક્ષણ ક્ષેત્ર માટે, રૂ 34,40,000 પોષક આહાર ક્ષેત્ર માટે, રૂ. ર3,00,000 પશુપાલન ક્ષેત્ર માટે, રૂ. પ,પ0,000 બાંધકામ ક્ષેત્ર માટે, રૂ. ર,3ર,પ0,000 આયુર્વેદ ક્ષેત્ર માટે,રૂ. ચાર લાખ સહિતના અંદાજિત ખર્ચ દર્શાવાયા છે. સ્વભંડોળનો કુલ ખર્ચ રૂ. 6,98,3પ,000 અને બંધ સિલક રૃા. 1,09,30,8ર4 મળી કુલ રૂ. 8,07,6પ,8ર4 નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.
આ અંદાજપત્રમાં સરકારી અનુદાનની આવક રૂ. પ,71,પ4,91,000 દર્શાવાઈ છે, જ્યારે સ્વભંડોળની આવક રૂ. 3,6પ,રર,000 દર્શાવાઈ છે. જિલ્લા પંચાયત સભાગૃહમાં બજેટ અંગેની કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ વિપપક્ષના નેતા જે.પી. મારવિયા એ ટેબલ ઉપર ચડીને બજેટની નકલ વિપક્ષના સભ્યોને અગાઉથી અભ્યાસ માટે આપવામાં આવી નથી તેથી આપની બજેટ સભા રદ્ કરવા માંગણી કરી હતી, અને આ બજેટ વિકાસલક્ષી નહીં, પણ સત્તાલક્ષી હોવાનું જણાવી બજેટનો વિરોધ કરીએ છીએ અને બજેટના કાગળોને ફાડી નાખીએ છીએ તેવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા સભાગૃહમાં થોડી ક્ષણો માટે સોપો પડી ગયો હતો.
તેમણે ભાજપ સરકાર હાય-હાયના સૂત્રોચાર તેમના સાથી સભ્યો સાથે ચાલુ રાખ્યા હતાં. આ તકે જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ બજેટ મંજુર થયા પહેલા તેની કોપી આપી શકાય નહીં તેમ જણાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદિયાએ ચર્ચા માટે બોલાવ્યા હતાં તેમ જણાવ્યું પણ જે.પી. મારવિયા અને વિપક્ષના સભ્યો માન્યા ન હતાં. અંતે ડીડીઓ મિહિર પટેલની સૂચનાથી પોલીસને બોલાવી વિપક્ષના સભ્યોને બહાર લઈ જવાયા હતાં. જે.પી. મારવિયાએ બહાર બજેટની હોળી કરવાની પણ ચિમકી આપી હતી.
જિ.પં.ની શિક્ષિણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા એ સભાગૃહમાં એવો પ્રશ્ન ઊઠાવ્યો કે જિલ્લામાં સ્માર્ટ ક્લાસ માટેની ગ્રાન્ટની રકમ હજી સુધી શા માટે વાપરવામાં આવી નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારી જ હાજર ન હતાં તેથી સત્તાધારી પક્ષના સભ્યો અને પ્રમુખ મુંઝવણમાં મૂકાઈ ગયા હતાં. આ ઉપરાંત લૈયારા ગામે બે વર્ષથી મંજુર થયેલ પ્રા.આ. કેન્દ્રના બિલ્ડીંગની કામગીરી કેમ નથી થઈ? તેવો પ્રશ્ન પણ લખધીરસિંહે પૂછતા એવો જવાબ મળ્યો કે કોન્ટ્રાક્ટર જુના ભાવે બાંધકામ કરવા તૈયાર નથી.
આમ જિલ્લા પંચાયતની અંદાજપત્ર સભામાં વિપક્ષી સભ્યોના હોબાળાના કારણે શરૃઆતમાં વાતાવરણ ભારે ગરમ થઈ ગયું હતું, પણ અંતે સત્તાધારી પક્ષ દ્વારા બજેટને મંજુર કરી દેવાયું હતું.