ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક મહાજન યુવાન સાથે કાનાછીકારી ગામના દંપતી અને લુટેરી દુલ્હન બની લગ્ન કરનાર દુલ્હન સહિતનાઓએ દોઢ લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કાનાછીકારી ગામના દંપતીએ દોઢ લાખ રૂપિયા લઇ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવી દોઢ લાખ રૂપિયા પડાવી લીધા બાદ યુવકના અન્ય છોકરી સાથેના સબંધનો આરોપ લગાવી યુવતીને યુવકના ઘરેથી લઇ ગયા હોવાનો આરોપ લગાવાયો છે.
જામનગરમાં વધુ એક વખત લુટેરી દુલ્હન અને તેની ટોળકીની છેતરપીંડી સામે આવી છે. શહેરના ખોડીયાર કોલોની, હોટલ બિકોન વાળી ગલીમાં રહેતા રાજકોટ ખાતે આવેલ આઈસીઆઈ લોમ્બાર્ડ કંપનીના લોન વિભાગમાં નોકરી કરતા પ્રિતેશ શાહના બે વખત જ્ઞાતિની યુવતીઓ સાથે થયેલ લગ્ન તૂટી જતા તેઓએ આંતરજ્ઞાતિ તરફ નજર દોડાવી હતી. અને તેમાં કાના છીકારી ગામે રહેતા સબંધી દંપતીને જાણ કરી હતી. જેને લઈને વિજય બારોટ અને કાજલ બારોટ નામના આ દંપતીએ મહારાષ્ટ્રની એક યુવતી સાથે લગ્ન કરી આપવાનો વાયદો આપી, તેણીના પરિવારજનોને ઘર બતાવી અને પસંદ પડતા લગ્નનું ફાઇનલ થયું હતું. જો કે લગ્ન કરાવી આપવા દંપતીએ દોઢ લાખ રૂપિયા યુવક પાસેથી પડાવી લીધા હતા.
દરમિયાન તાજેતરમાં જ દંપતીએ પાયલ બંસોડ રહે. વી.ટી ખદાન, મંતાપુર રોડ, વીધાયક ભવનની બાજુમાં નાગપુર મહારાષ્ટ્ર વાળી તથા અંકિત નાગપુરી રહે.સાંવરકરનગર, ચંદ્રપુર, મહારાષ્ટ્ર વાળી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જામનગર કોર્ટમાં લગ્ન કરી આપવાની ખાત્રી અને ભરોસો આપી બાદ મૈત્રી કરાર કરાવી આપ્યા હતા. દરમિયાન આ દંપતીએ યુવકને ફોન કરી કહ્યું હતું કે તારે બીજી કોઈ યુવતી સાથે સબંધ છે. જેને લઈને દંપતી એક કાર લઇ જામનગર આવ્યું હતું અને યુવતીને લઇ જતું રહ્યું હતું. માત્ર ત્રણ દિવસ સુધી જ યુવતીએ મૈત્રી કરાર કરી યુવક સાથે રહી હતી. યુવતીને દંપતી તેડી ગયા બાદ મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી કઈ જવાબ ન આપતા યુવાને આખરે સીટી સી ડીવીજન પોલીસ દફતરનો સહારો લીધો હતો. અને દંપતી તથા યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.