જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીની કેનાલમાં પ્રિમોન્સુન કામમાં લાલીયાવાડીને લઇને કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ગઈકાલે ભીમવાસમાં આવેલી કેનાલમાં ગંદકીની બાબતને લઇને નવતર વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી સાઇડ ઉપર જ ફરકરતા ન હોય તેથી ટેન્ડરની શરત મુજબ કોન્ટ્રાકટરો કામ કરતા નથી અને બીલ ચૂકવાઇ જાય છે.
ભીમવાસમાં કેનાલની ગંદકી બાબતે મહિલા કોર્પોરેટરનો નવતર વિરોધ
પ્રિમોન્સુન કામગીરીમાં લાલીયાવાડી થતી હોવાના આક્ષેપ સાથે ગંદી કેનાલમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું
મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરી વધુ એકવાર વિવાદમાં આવી છે. વરસાદી પાણી નિકાલ માટેની ભીમવાસ પાસેની કેનાલનો સમાવેશ આ પ્રિમોન્સુનના કામમાં થયેલ છે. આ કેનાલમાં સફાઇના મુદે આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ વિસ્તારના મહિલાઓને સાથે રાખી કેનાલ ઉપર પહોંચ્યા અને કેનાલની ગંદકીના પ્રશ્ર્ને નવતર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને કોર્પોરેટર રચનાબેને પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખોલી નાખી હતી. તેઓએ ગંદકી થતા ખદબદતી કેનાલ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આ અંગે કોર્પોરેટર રચનાબેને એવો આક્ષેપ કર્યો હતો કે, સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીને માત્ર પ્રિમોન્સુન કામના ટેન્ડરો મંજુર કરવામાં જ રસ હોય છે ત્યારબાદ પ્રિમોન્સુનનું કામ કોન્ટ્રાકટર દ્વારા થાય છે કે નહીં તે જોવા માટે એક પણ વાર સાઇટ વિઝીટ પણ આ અધિકારી કરતા નથી. તેઓએ કેનાલમાંથી ગત વર્ષનો કચરો પણ હજુ જેમનો તેમ હોય અને કોન્ટ્રાકટર દ્વારા પ્રિમોન્સુનના કામમાં ભારે બેદરકારી રાખેલ છે. આ મુદે તેઓ સોલીડ વેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીને આધારપુરાવા સાથે પ્રિમોન્સુનના કામ અંગેની ફરિયાદ કરવા સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી પાસે પણ ગયા હતાં. આમ પ્રિમોન્સુનનું કામ કાગળ ઉપર થતું હોય તેવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. જો આ અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચેનો સાઠગાંઠની તપાસ થાય તો ખરૂ કૌભાંડ પ્રિમોન્સુનનું બહાર આવે.