-
ખોટી ઓળખ આપી સર્ટિફિકેટ આપવાના બહાને 15 લાખની છેતરપિંડી કરતા ચકચાર
-
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Jamnagar news: સાયબર ક્રાઇમએ આજના સમય સૌથી મોટી સળગતી સમસ્યા છે. શખ્સો દ્વારા નિતનવા કીમિયા રચી અને છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેનો જામનગર આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા અધિકારી ભોગ બન્યા છે. કસ્ટમ અને પોલીસની ખોટી ઓળખ આપી સર્ટિફિકેટ આપવાના બહાને આરોપીઓએ 15 લાખની છેતરપિંડી કરતા ચકચાર મચી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વર્ષાબેન સોલંકીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
આ મામલે 58 દીગ્વીજય પ્લોટ ઉદ્યોગનગર રોડ જ્ઞાન ગંગા સ્કુલ પાસે રહેતા અને આયુર્વેદ હોસ્પીટલમાં નોકરી કરતા વર્ષાબેન સોલંકી (ઉ.વ.58) એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર ગત તા.20/06/2024ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેને પહેલો કોલ આવ્યો હતો અને તેઓએ ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી કસ્ટમ ઓફીસર આશીષ શર્મા તરીકે ઓળખ આપી હતી. જેમાં કહ્યું કે મારી ઓફીસ ઈન્દીરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નંબર 3 ઓફીસ નંબર 122માં તમારા આધારકાર્ડ નંબર વાળુ એક પાર્સલ આવ્યું છે. જેનું શીપીંગ લોકેશન દીલ્લીથી કબોડીયા છે તા.16/06/2024 ના રોજ DHL કુરીયર માંથી પાર્સલ મોકલેલ છે.આ કુરીયરમાં આઠ ટાવેલીંગ પાસ પોર્ટ પાંચ ક્રેડીટ કાર્ડ, 170 ગ્રામ M.D.M.A તથા 45,000 રોકડા છે.
વોટસઅપ પર નિવેદન લખાવવા માટે વિડીયો કોલ આવ્યો
આથી તમે દીલ્લી ક્રાઈમ બ્રાંચની ઓફીસે 2 કલાકમાં પહોંચી અને ફરીયાદ કરો. આથી મહિલાએ કહ્યું કે હું જામનગર રહું છું અને 2 કલાકમાં પહોંચી શકું તેમ નથી. જેથી આરોપીએ કોન્ફરસ કોલમાં દીલ્લી ક્રાઈમ બ્રાંચના નામે કોઈ સાથે વાત કરવી ત્યારબાદ સાંજે 5 વાગ્યે અજાણ્યા નંબરમાંથી મહિલાના મોબાઈલ નંબરના વોટસઅપ પર નિવેદન લખાવવા માટે વિડીયો કોલ આવ્યો હતો. વીડીયો કોલમાં વસંતકુંજ દિલ્લીનું પોલીસ સ્ટેશન બનાવ્યું હતું અને કહ્યું હતું કે હું કોન્સટેબલ યશદીપ મોદી બોલુ છું. આ વ્યકિતએ મારો આધાર નંબર ચેક કરાવેલ હતો અને આ વાતચીત સાંભળી બાદમાં અમારા H.D.F.C. બેંક, S.B.I. બેંક, I.C.I.C.I બેંક, તથા AXIS બેંકમાં કર્ણાટક, દિલ્લી, પંજાબ, તમિલનાડુ, અને મહારાષ્ટ્ર આ મારા આધારકાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખુલ્યા હોવાનું કહી તમારું આધારકાર્ડ મનીલોન્ડરીંગ તથા હયુમન ટ્રાફીકિંગમાં વાપરવામાં આવેલ છે. અને તમે અમારા વિડીયો કોલીંગથી સર્વેલન્સમાં છો. તેમ કહ્યું હતું.
15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવાયું
ત્યારબાદ તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ સવારે કલાક ૦૯/૩૦ વાગ્યે સભોધકુમાર જેયશ્વાલ મુંબઈ પોલીસ ભુતપુર્વ કમીશ્નર નામથી કોઈ અજાણી વ્યક્તિએ વિડીયો કોલ ચાલુ હોય ત્યારે કોન્ફરન્સમાં વીડીયો કોલમાં આવ્યા હતાં. અને તેઓએ મને અનેક પ્રશ્નનો કર્યા હતા. કહ્યું કે તમારે R.B.I વેરીફીકેશન કરાવવુ જોઈશે. બાદમાં મારા વોટસઅપમાં R.B.I.નો એક લેટર આવ્યો હતો. ત્યારબાદ વીડીયો કોન્સફરન્સમાં સુબોધકુમાર જેયશ્વાલ નામના વ્યકિતએ જણાવેલ કે R.B.I. વેરીફીકેશન કરાવવું જરૂરી છે. તમારા રૂપિયા R.B.I. એક એકાઉન્ટ નંબર મોકલશે તેમા તમારા 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેજો તમને પાછા પરત મળી જશે. તેવુ જણાવતા મે કહેલ કે ખાતા નંબર આવશે એટલે હું કરી દઈશ. બાદમાં નંબર આવતા રૂપિયા 15,00,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેઓએ દિલાસો આપ્યો કે તમો મનીલોન્ડ્રીંગ કે અન્ય કોઇ ગુન્હામા સંડોવાયેલા નથી તેવુ સર્ટી તથા રૂપિયા તમોને પરત મળી જશે તેવુ કહ્યું હતું. બાદમાં 1930 નંબરમાં ફરિયાદ કરી હતી.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
આમ, આરોપીઓએ ખોટી ઓળખ આપી છેતરપીંડી કરવાનું જાણતા સમગ્ર મમલે મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપદનો ધમધમાટ શરૂ કરતાં આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સાગર સંઘાણી