જામનગર જી.આઈ.ડી.સી. ફેસ–૩ ના ઉદ્યોગકારો છેલ્લા વર્ષથી લેખિત તેમજ રૃબરૃ અનેક વખત જીઆઈડીસી તથા સરકારશ્રીમાં રજુઆતો કરવામાં આવેલ છતાં ઉદ્યોગકારોને ન્યાય મળતો નથી ઉલટાનું જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને વાર્ષિક ૧૫ ટકા વ્યાજ સાથે વસુલાતની નોટીસ ફટકારેલ છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન (દરેડ) ના પ્રમુખ રાજેશભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું કે જામનગર જીઆઈડીસી ફેસ–૩ માં પ્લોટનું એલોટમેન્ટ જીઆઈડીસી દ્વારા વર્ષ ૨૦૦૪–૦૫માં કરાવેલું તે સમયે અમારી પાસેથી એલ.આર.સી. કેશ પેઠે રૂ. ૫૦૦ પ્રતિ ચો. મી. ડિપોઝીટ પેટે ઉઘરાવેલ હતા ત્યાર પછી નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ પ્રતિ ચો. મીટર રૂ. ૩૯૦ ચૂકવવાનો હુકમ કરેલ છે.
ઉપરોક્ત કેશમાં ઉદ્યોગકારોને પક્ષકાર બનાવેલ નથી તેમજ અમારી ડિપોઝિટ રૂ. ૫૦૦ જે વર્ષ ૨૦૦૫ માં વસુલ કરેલ છે. તેનું ઉદ્યોગકારોને વ્યાજ જીઆઈડીસી આપતું નથી. તેની સામે જ્યારે ઉપરની તફાવતની રકમ પેટે રૂ. ૧૧૦ લેવાના થાય છે. જેને નજરઅંદાજ કરીને જીઆઈડીસી દ્વારા મનઘડત અન્યાયી રીતે ઉદ્યોગકારોને વ્યાજ સહિત પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૬૪૫ વસુલ કરવાની નોટીસો આપે છે. જે ખૂબ અન્યાયી છે. જીઆઈડીસી દ્વારા અંદાજીત ૧૧,૨૫,૫૩૦ ચો. મી. નું એલોટમેન્ટ કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત બાળને તા. ૧૩–૦૨–૨૦૧૯ ના રોજ ગાંધીનગર મુકામે જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓ જીઆઈડીસીના સી. એ. એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. જેમાં એસોસિએશન તરફથી હિસાબી પત્રક રજુ કરેલ હતું પરંતુ હિસાબને ધ્યાને લીધા વગર જ જીઆઈડીસી દ્વારા એક તરફી નિર્ણય કરેલ જેના લીધે આવા મંદીના માહોલમાં ઉદ્યોગકારો પર ખૂબ જ અસહ્ય રીતે ભારણ આવી પડેલ છે. જેની આ વિસ્તારના ધંધા–રોજગાર પર માઠી અસર પડેલ છે.
જામનગરનો બ્રાસ ઉદ્યોગ આશરે બે થી અઢીલાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રૃપે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે. જે પણ આ ગંભીર પ્રશ્ન છે. હાલમાં આ વિસ્તારના ઉદ્યોગકારોને ટુઆર પરમીશન અને પ્લોટ ટ્રાન્સફર વખતે જીઆઈડીસી દ્વારા આ ભારણની રકમ વ્યાજ સહિત ભરપાઈ કરાવે છે. જ્યારે રીફંડ વખતે જીઆઈડીસી વ્યાજ આપતી નથી.