જામનગર શહેરમાં ગુન્હાખોરીને નિયંત્રિત કરવા માટે શહેરના ૧૫૨ સ્થળોએ કુલ ૪૦૦ સીસીટીવી કેમેરા લગાડવા માટે કાર્યવાહી આરંભવામાં આવી છે. જેના પગલે આવતા બે મહિનામાં આપણું નગર સીસીટીવીની સતેજ આંખ હેઠળ ધબકતું જોવા મળશે તે માટેના કંટ્રોલ સેન્ટરને કાર્યરત કરવામાં આવી રહ્યું છે.

જામનગર શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અન્ય ગુન્હાઓને કંટ્રોલમાં લાવવા માટે જામનગર પોલીસે શરૃ કરેલી તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. જામનગર શહેરના જુદા જુદા માર્ગો પર ચારસોથી વધુ સીસીટીવી કેમેરાઓ મૂકવા માટે હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત જિલ્લા પોલીસવડાની કચેરી પાછળ ઉભા કરવામાં આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટરને આવતા મહિનાથી કાર્યરત કરવાની તજવીજ કરવામાં આવી છે.

જામનગર શહેરના ટ્રાફિકને નિયંત્રિત કરવા, ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા વગેરે કાયદાઓની અમલવારી સુપેરે થઈ શકે તે માટે પોલીસ દ્વારા ઘડી કાઢવામાં આવેલા એકશન પ્લાન મુજબ જામનગરના ડીકેવી સર્કલ, સાત રસ્તા, જી.જી. હોસ્પિટલ, બેડીનાકા, ગુરૃદ્વારા ચોકડી, અંબર ચોકડી, દિગ્જામ સર્કલ, હવાઈ ચોક, એસ.ટી. ડેપો રોડ, ખોડિયાર કોલોની વગેરે મળી કુલ ૧પર સ્થળોએ ચારસો સીસીટીવી કેેમેરા કાર્યરત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ તમામ સીસીટીવી કેમેરાનું સંચાલન કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી કરવામાં આવશે.

સીસીટીવીમાં જે વાહનચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરતા દૃષ્ટિગોચર થશે તેને દંડ ફટકારવા માટે કાર્યવાહી કરવામાં આવી, દંડ ભરવાની પાવતી સાથે ફોટો, દંડ ભરવાનું સ્થળ સહિતની વિગત આપતું કવર તેમના ઘરે પહોંચાડી દેવામાં આવશે જે નાગરિક દંડ નહીં ભરે તેની સામે અલગથી પગલા ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.