ત્રીજા તબકકામાં વધુ 3 રૂટ પર વિમાની સેવા શરૂ થશે
જામનગરને દિલ્હી, ગોવા અને હૈદ્રાબાદ સાથેની વિમાની સેવાથી સાંકવવાની સરકારની તૈયારી હોવનું રાજય સરકારે વિધાનગ્રહમાં જણાવ્યું હતું.
લાંબા સમય બાદ વિમાની સેવામાં હવે સૌરાષ્ટ્રનું મહત્વ રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું છે એક તરફ રાજકોટને આંતરરાષ્ટ્રીય વિમાની મથકની ભેટ આપીને આગામી સમયમાં સૌરાષ્ટ્રના પાટનગરથી સમગ્ર વિસ્તારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેવાનો લાભ મળશે તે નિશ્ર્ચિત છે અને રાજકોટ સાથે દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ જેવી વિમાની સેવાઓ પણ પ્રારંભ થઇ છે તે સાથે હવે લશ્કરી અને ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના ગણાતા જામનગર માટે પણ ટુંક સમયમાં દિલ્હી અને હૈદ્રાબાદની વિમાની સેવાનો પ્રારંભ થશે. ગુજરાત વિધાનસભામાં આ અંગે જવાબ આપતા રાજય સરકારે કહ્યું હતું કે કેન્દ્રની જે ઉડાન યોજના છે. તેના ત્રીજા તબકકામાં જામનગરથી ત્રણ રૂટ પર વિમાની સેવાઓ શરૂ કરવા માટેની દરખાસ્ત છે.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુંછડીયાના પ્રશ્નના એક જવાબમાં રાજય સરકારે કહ્યું કે જામનગરને દિલ્હી, હૈદ્રાબાદ, બેંગ્લોર, ગોવા સાથે સાંકળવા માટેનું ઉડાન સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે અને ટુંક સમયમાં આ સેવાઓ તબકકાવાર શરૂ થશે. રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જામનગરથી ગોવા સહિતની સેવાઓ માટે જોકે અત્યારે કોઇ કવોલીફાય બીડર મળ્યા નથી પરંતુ રાજય સરકાર પ્રયત્નમાં છે અને એરલાઇન્સ ઓપરેટરને દિલ્હી, હૈદ્રાબાદ,બેંગ્લોરના રૂટ પણ ઓફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓએ માહિતી આપી હતી કે પોરબંદરના વિમાની મથકનું વિસ્તરણનું કામ પણ ચાલુ કરવા માટે રન-વે તથા આસપાસની જમીન એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને સુપ્રત કરી દેવામાં આવી છે અને ટુંક સમયમાં તેના પ્લાન મંજૂર થયે આ રન-વેનું વિસ્તરણ થશે.