જામનગરની હર્ષદ મીલની ચાલીમાં રહેતા એક પરિણીતાએ ત્રણ દિવસ પહેલા અકળ કારણસર ઝેરી દવા પીધા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સુરજકરાડીના એક યુવાને માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે બન્ને બનાવોની તપાસ શરૃ કરી છે.
જામનગરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં આવેલી મહાવીર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ધનજીભાઈ પરમારના પત્ની દર્ષિતાબેન (ઉ.વ.૩૧)એ ગયા શનિવારે સવારે કોઈ કારણથી ઝેરી દવા પી લેતા તેણીને પતિ મહેન્દ્રભાઈએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેણીને સારવાર આપવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતો અભિપ્રાય મળતા દર્ષિતાબેનને જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેણીનું ગઈકાલે મૃત્યુ નિપજતા પીએસઆઈ વાય.એસ. ગામીતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેણીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
ઓખામંડળના સુરજકરાડીમાં આવેલા એક મંદિર પાસે રહેતા મહેશભાઈ છગનભાઈ ઢાકેચા નામના ચાલીસ વર્ષના યુવાનને છેલ્લા દસેક વર્ષથી માનસિક બીમારી વળગી હતી જેની સારવાર કરાવવા છતાં સારૃં ન થતા કંટાળી ગયેલા મહેશભાઈએ ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતા બાબુભાઈ સામાભાઈ વાઘેલા દોડી આવ્યા હતા જેઓએ મૃતદેહને નીચે ઉતારી પોલીસને જાણ કરી છે. જમાદાર કે.આર. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.