ગુજરાતમાં ચાલી રહેલા વેકસીનેશનમાં રાજય સરકાર દ્વારા બે દિવસની સાપ્તાહિક રજા ઉપરાંત અનેક વેકસીનેશન સેન્ટરો બંધ કરાયા હોવાના અહેવાલ વચ્ચે સરકાર ગમે તેટલો ઇન્કાર કરે પણ વેકસીનના પૂરતા ડોઝ કેન્દ્ર સરકાર પાસેથી મળતા નથી તે વાસ્તવિકતા છે અને તેના પરિણામે વેકસીન આપવાનો જે ખુદ સરકારનો લક્ષ્યાંક છે તે પૂરો થઇ શકતો નથી. તે વચ્ચે હવે કેન્દ્ર દ્વારા રાજયોને જે વેકસીનના ડોઝ આપવામાં આવે છે તેના 25 ટકા ડોઝ ખાનગી વેકસીનેશન માટે ફાળવવા અને તે અંગેનો ચાર્જ વસુલવા માટેનો આદેશ આવી ગયો છે.
કેન્દ્ર દ્વારા રાજયોને સલાહ અપાઇ છે કે તે ખાનગી કંપનીઓ, વ્યાપારીઓ, ઔદ્યોગિક સમુહો તથા એસોસીએશનને તેમના કર્મચારીઓ તથા તેમના કુટુંબ માટે સરકારી વેકસીનેશન કે જે ફ્રી છે તેનો આગ્રહ ન રાખવા અને ખાનગી વેકસીનેશન સેન્ટર પર જવા માટે જણાવવા કહેવાયુ છે અને આ માટે કેન્દ્ર જે વેકસીનના ડોઝ ફાળવે છે તેમાં 25 ટકા ડોઝ પ્રાઇવેટ વેકસીનેશન માટે ફાળવી દેવા જણાવાતા ફ્રી વેકસીનેશન ડોઝમાં કાપ મૂકી દેવાયો છે.
એક તરફ ત્રીજી લહેરની આશંકા છે અને તે વચ્ચે પણ વેકસીનેટ થયેલા વ્યકિત જેણે વેકસીન લીધી નથી તેને સંક્રમીત કરી શકે છે તેવા વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ વચ્ચે રાજયમાં વેકસીનેશનની ઝડપ વધારવાની જરૂરત છે અને વેકસીનના ડોઝ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે આવશ્યકતા છે.