ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે માસ્કના નિયમોનું પાલન કરાવવું જરૂરી
જામનગરમાં માસ્ક પહેર્યા વગર નિકળતા સામાન્ય લોકોને પકડી 1000નો દંડ વસુલતી કે ફોજદારી ગુન્હો નોંધતી ઝાંબાઝ પોલીસ શાક માર્કેટ સહિત શહેરભરમાં શાક-માર્કેટ અને ફળનો ધંધો કરતા ફેરિયાઓ સામે માસ્ક સંબંધોની કાર્યવાહી કરવાની હિંમત કયારે દાખવશે ? આ ફેરિયાઓ પણ જાણ્યે-અજાણ્યે કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે. સામાન્ય રીતે આ ફેરિયાઓના જાહેરમાર્ગ ઉપરના દબાણો વખતે જાહેરહીત કોરાણે મુકી તેનું ઉપરાણું લેવા ટપકી પડતા નેતાઓ ફેરિયાઓને કેમ માસ્ક માટે મનાવવાની તસ્દી લેતા નથી ? તેવો પ્રશ્ન લોકો કરે છે. જામનગરમાં સજુબા ગર્લ્સ સ્કુલ પાસેથી દરબારગઢ સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં શાકભાજી અને ફળનું વેચાણ કરવા ફેરીયા તેની રેકડીઓ સાથે ઉભા રહે છે. આ ઉપરાંત તળાવની પાળના પાછલા ભાગે, ખોડીયાર કોલોની, રણજીતનગર જેવી બજારમાં તેમજ શહેરમાં ચો-મેર ફેરી કરતા ફેરિયાઓ માસ્કનો નિયમ ઘોળીને પી જાય છે.
આ જ ફેરિયાઓ મર્યાદા ઓળંગી જાહેર માર્ગ ઉપર દબાણ કરી ખડકાઇ જાય ત્યારે કાર્યવાહી કરવા જતા તંત્રને અટકાવવા અને દબડાવવા ટપકી પડતા બાહુબલી જનપ્રતિનિધિઓ તેમના પાલતું ફેરિયાઓને સુપર સ્પ્રાઇડર ન બને તે માટે માસ્ક પહેરાવાની ફરજ પાડવા કેમ તંત્રના ટેકામાં આવતા નથી. શું મતની મોથાજી કે અન્ય કારણ જાહેર હીત કરતા વધુ કિંમતી હોઇ શકે ? આવા અનેક વેધક પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાય છે. આ ફેરિયાઓ એટલા અસક્ષમ પણ નથી કે 20 રૂપિયાનું માસ્ક ન પહેરી શકે કે 10 રૂપિયાનો રૂમાલ બાંધી ન શકે. નેતા કે અન્યની શેહ-શરમ છોડી મહાનગરપાલિકા અને પોલીસે સામાન્ય લોકોની સામે જેમ કાર્યવાહી કરવાની હિંમત કરે છે તેમ આવા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી આ ફેરિયાઓ સુપર સ્પ્રેડર ન બને.