જામનગર: 343 ઉમેદવારોના ફોર્મની ચકાસણી: કાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે
ભાજપ-64, કોંગ્રેસ-63, આપ-60, બસપા-23, એનસીપી-12, સપા-2, અપક્ષ-119 મેદાનમાં
જામનગર મહાપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે 343 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં આવતીકાલે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી, બસપા, સહિતના રાજકીય પક્ષો તેમજ અન્ય અપક્ષોએ ઉમેદવારીપત્રો ભર્યા છે ત્યારે પોતપોતાના વોર્ડમાં અપક્ષ ઉમેદવારોને ઉમેદવારીપત્ર પાછા ખેંચવા માટે રાજકીય પક્ષો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. અને દરેક વોર્ડના સીમાંકનના આધારે સ્થાનિક ઉમેદવાર દ્વારા દોડધામ કરાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાના શનિવારે છેલ્લા દિવસના અંતે કુલ 343 ફોર્મ રજૂ થયા હતા. હવે આ ફોર્મની ચકાસણી પ્રક્રિયા તા.8ને સોમવારે હાથ ધરવામાં આવશે. અને તા.9ને મંગળવારે ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારપછી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયા પછી ગત સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું હતું. જામનગરમાં પણ શરૂ થયેલા આ કાર્યક્રમ અન્વયે શનિવારે ઉમેદવારીપત્ર રજુ કરવા માટે નો આખરી દિવસ હતો. ત્યારે શનિવારના દિવસના અંતે જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે કુલ 343 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા. હવે મંગળવારે મોડી સાંજે જામનગરનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. હાલની સ્થિતિ એ જોઈએ તો જામનગરમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, એનસીપી, આપ, સપા અને અપક્ષોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે. એટલે કે ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ ફાળવણી માં અસંતોષ જાગ્યો છે. તેમજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે જરૂરી ધ્યાન આપવામાં આવ્યું હોય ઉપરાંત ‘આપ’ પણ ચૂંટણી મેદાન માં ઉતાર્યું છે. ત્યારે આ વખતની ચૂંટણી ભાજપ માટે સાવ સહેલી તો નથી જ. આપ તેમજ કોંગ્રેસ પાસે અમુક મજબૂત ઉમેદવાર છે.જે ભાજપ માટે સ્પીડ બ્રેકર ઉપરાંત અમુક અપક્ષ ઉમેદવારો પણ ચોક્કસ મત ખેડવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે આગામી ચૂંટણીમાં કોણ બાજી મારશે એ તો આવનારો સમય જ કહેશે. પરંતુ ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો દ્વારા પોતપોતાના વોર્ડમાં જે કોઈ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેવા ઉમેદવારોને મનાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. અને રાજકીય પક્ષો તેના માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અપક્ષોની ઉમેદવારી પરત ખેંચવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. સાથોસાથ ઉમેદવારોના ફોર્મ ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેટલા ફોર્મ માન્ય રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.