ફૂલઝર-1, વોડીસાંગ અને બાલંભડી ડેમ ઓવરફલો થયા: ફોફળ-2, ઉંડ-3, આજી-4, વનાણા, વાગડીયા ડેમમાં પણ નવા નીરની આવક
શહેર-જિલ્લામાં ગત રવિવારે મેઘરાજાએ હેત વરસાવતા ઉંડ-1 ડેમમાં 8.5 ફુટ નવા નીર આવતા જામનગરને 6 મહિના ચાલે તેટલું પાણી આવ્યું છે. ફૂલઝર-1, વોડીસાંગ અને બાલંભડી ડેમ ઓવરફલો થયા છે. ફોફળ-2, ઉંડ-3, આજી-4, વનાણા, વાગડીયા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. રવિવારે મેઘરાજાની તોફાની બેટીંગથી શહેર-જિલ્લામાં અડધાથી 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડેમ સાઇટ પર 24 કલાકમાં અડધાથી 10 ઇંચ વરસાદ ખાબકયો હતો.
જેના કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઇ હતી. ફૂલઝર-1, વોડીસાંગ અને બાલંભડી ડેમ ઓવરફલો થયા છે. જામનગર શહેરવાસીઓને રણજીત સાગર ઉપરાંત ઉંડ-1 ડેમમાંથી પણ પાણી આપવામાં આવે છે. ઉંડ-1 ડેમમાં રવિવારે 8.5 ફુટ નવા નીર આવતા જામનગરને 6 મહિના ચાલે તેટલું પાણી આવ્યું છે. તદઉપરાંત આજી-3 ડેમમાં પણ 5 ફુટ નવા નીર આવ્યા છે.
જયારે ફોફળ-2માં 9.12, ઉંડ-3માં 9, આજી-4માં 5.65, વનાણા ડેમમાં 4.99, વાગડીયા ડેમમાં 1.31 ફુટ પાણીની આવક થઇ છે.જિલ્લામાં ડેમ સાઇટ પર છેલ્લાં 24 કલાકમાં અડઘાથી 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ફોફળ-2 માં 2.5, ઉંડ-3 માં 3, આજી-4 માં 3, બાલંભડીમાં 9, ઉંડ-4 માં 4, ઉમિયાસાગરમાં 2, વોડીસાંગ, ફૂલઝર કોટડા બાવીસીમાં 1.5, કંકાવટીમાં 3, ફૂલઝર-1 માં 1.5, સપડામાં 1.25 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં જિલ્લાની ડેમ સાઇટ પર 4 થી 19 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમમાં નવા નીર આવતા પાણીની સમસ્યા હળવી બની છે.