ઓગળાયેલી મેટલમાં પ્રોસેસિંગ કરતી વેળાએ ધડાકો થતા અફડાતફડી: શ્રમિકોમાં અસલામતીની ભીતી
જામનગરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝ ધરાવતાં ઉદ્યોગનગરો આવેલાં છે. જેમાં અકસ્માતનાં બનાવો વારંવાર બની રહ્યા હોય, હજારો કામદારોમાં અસલામતીની લાગણી જોવા મળે છે. ગઇકાલે સાંજે દરેડ જીઆઇડીસી ખાતે એક જાણીતી આયાતનિકાસકાર કંપનીમાં ભયાનક અવાજ સાથેનો બ્લાસ્ટ થતાં બે શ્રમિકો અતિ ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમાં સારવારમાં એક શ્રમિકે દમ તોડ્યો હતો.
થોડાં સમય પહેલાં આ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં જ એક ઔદ્યોગિક એકમમાં એક કામદાર કારખાનામાં કામ કરતી વખતે ખૂબ જ ઉંચાઈએથી નીચે પટકાતાં ઘટનાસ્થળે જ આ કામદાર મોતને શરણ થયો હતો. આ કામદાર એકમમાં જે સ્થળે પટકાયો હતો ત્યાં કારખાનાની ધારદાર ચીજો પણ જોવા મળી હતી. બનાવ સમયે આ સ્થળે લોહીનાં ખાબોચિયાં જોવા મળ્યા હતાં.
ત્યારબાદ, તાજેતરમાં આ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં જ એક ડેરી પ્રોડક્ટ્સ માટેની ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થયું હતું. આપણે સૌ જાણીએ છીએ કે, એમોનિયા ગેસ માણસ માટે ઘાતક પૂરવાર થઈ શકે છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ત્યારબાદ કાલે ગુરૂવારે સાંજે જામનગરની જાણીતી આયાતનિકાસકાર કંપની રાજહંસ પ્રાઈવેટ લિમિટેડમાં ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ ભયાનક અવાજ સાથેનો એક બ્લાસ્ટ થયો હતો. જેમાં બે પરપ્રાંતીય કામદારો અતિ ગંભીર રીતે દાઝી ગયા હતાં. હોસ્પિટલના બીછાને એક કામદારે દમ તોડ્યો હતો. જે બંનેને તાકીદની સારવાર માટે 108 મારફતે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં કંપની નજીક આવેલા પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ ડી.સી.ગોહિલ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ભયાનક બ્લાસ્ટને કારણે સમગ્ર ઉદ્યોગનગરમાં હજારો કામદારોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.
રાજહંસ ઈમ્પેકસ નામની આ કંપનીમાં ઓગાળેલી મેટલને પ્રોસેસિંગ કરતી વખતે આ ભયાનક બ્લાસ્ટ સર્જાયો હતો. રાજહંસ ઈમ્પેકસ કંપનીમાં બ્લાસ્ટ સમયે દાઝી ગયેલાં બે પરપ્રાંતીય કામદારો પૈકી એક કામદાર 28 વર્ષનો અને બીજો કામદાર 32 વર્ષનો હોવાનું જાહેર થયું છે. આ બ્લાસ્ટમાં દાઝી ગયેલાં 28 વર્ષનાં કામદારનું નામ શુભલાયસિંઘ અને 32 વર્ષનાં અન્ય કામદારનું નામ હુકમસિંઘ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં શુભલાયસિંઘ નામના શ્રમિકનું મોત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ ઔદ્યોગિક એકમમાં કામ કરતાં કામદારોનાં સ્વાસ્થ્ય અને જિંદગીની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો દ્વારા વિવિધ કાયદાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવામાં ઔદ્યોગિક એકમો ખાસ ગંભીર નથી હોતાં. ઔદ્યોગિક સલામતીનાં નિયમો અને જોગવાઈઓનું ઉદ્યોગકારો પાલન કરે તે માટે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ નામનો ખાસ વિભાગ ચલાવે છે. પરંતુ જામનગરમાં આ કચેરી સક્રિય હોય એવું પાછલા વર્ષોમાં કયારેય જોવા મળ્યું નથી અને આ કચેરીની કામગીરીની સમીક્ષા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કયારેય કરવામાં આવી હોય એવી વિગતો પણ જાહેર થવા પામી નથી.આ સ્થિતીમાં હજારો કામદારોની સલામતીનો મુદ્દો ગંભીર અને ચિંતાનો વિષય બની શકે છે.