જામનગર સમાચાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસે શ્રમિક પરિવારના ઝુપડે બે લૂંટારુઓ ત્રાટકયા હતા. શ્રમિક યુવાનને ધાક ધમકી આપી તેના ખીસ્સામાંથી રોકડ રકમ અને મોબાઇલ ફોન તેમજ તેની પત્નીના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બંને લૂંટારુઓ ભાગી છૂટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે, કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલૂસ ગામ પાસે એક ઢાળીયા વાળું ઝૂંપડું બાંધીને રહેતા કાલુભાઈ ફતિયાભાઈ આદિવાસી નામના ૩૭ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને લાલપુર પોલીસ પથક પર બે લુટારુઓ સામે પોતાના ઝુપડામાં પ્રવેશ કરી પોતાને ભય બતાવી પોતાના ખિસ્સામાંથી રૂપિયા ૩,૦૦૦ ની રોકડ અને ૫,૦૦૦૦ રૂપિયા ની કિંમત ના મોબાઈલ ફોન તેમજ ઝુપડાના એક ઢાળીયા ની દીવાલની ખીંટી મા ટીંગાળેલી થેલીમાંથી પત્નીની ચાંદીની બંગડી અને ઝુમખા સહિત કુલ રૂપિયા ૯,૮૦૦ ની માલમત્તા ની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા ફરીયાદી પોતાના ઝુપડામાં સૂતા હતા, જે દરમિયાન લુંટારૂઓ ત્રાટક્યા હતા, અને છરી જેવા હથિયાર વડે ધાકધમકી આપી ભય ફેલાવ્યો હતો, અને લુંટ ચલાવી પોતાના મોબાઈલનું સીમકાર્ડ બહાર ફેકતા ગયા હતા.
દરમિયાન સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે બન્ને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.