જામનગર સમાચાર
જામનગરની ભાગોળે આજે સવારે વધુ એક ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ચંગા ગામના પાટીયા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડતાં એક કારમાં બેઠેલું દોઢીયા ગામનું દંપત્તિ કે જેઓ શ્રાદ્ધનું કાર્ય કરવા માટે જઈ રહ્યા હતા, અને બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે. ઉપરાંત અન્ય કારમાં બેઠેલી બે મહિલા સહિતના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા કાંતિભાઈ પોપટભાઈ અને તેમના પત્ની શારદાબેન કાંતિભાઈ કે જેઓ પોતાની કારમાં બેસીને દોઢીયાથી રામપર ગામે શ્રદ્ધાનું કાર્ય કરવા માટે જઈ રહ્યા હતા.
સવારે દસેક વાગ્યાના અરસામાં જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી અન્ય એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બંને કાર ધડાકાભેર અથડાઈ હતી .જે અકસ્માતમાં દોઢીયા ગામના દંપત્તિ કાંતિભાઈ અને શારદાબેન બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.ઉપરાંત અન્ય કારમાં બેઠેલી બે મહિલાઓ સહિતના ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટુકડી સૌપ્રથમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જો કે તેઓ હાલ બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેઓના નામ જાણી શકાયા નથી.
આ અકસ્માતની જાણ થવાથી પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે બંને મૃત દેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવા કાર્યવાહી આરંભી છે.