- સેતાલુસ થી જામનગરમાં મેડિકલ સર્ટીફીકેટ કઢાવવા માટે આવેલા એક ભરવાડ યુવાનને નકલી પોલીસ નો ભેટો થઈ ગયો
- સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ પોલીસની ઓળખ આપી યુવાનને ઉઠાવી ગયા
- તેં દારૂ પીધો છે અને તારો પોલીસ કેસ કરવો છે તેમ કહી ધમકાવી ખિસ્સામાંથી રૂપિયા ૯,૫૦૦ ની રોકડની લૂંટ ચલાવ્યાની ફરિયાદ
જામનગર ન્યુઝ : લાલપુર તાલુકાના સેતાલુસ ગામથી મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવેલા એક ભરવાડ યુવાનને સમર્પણ સર્કલ પાસે બે નકલી પોલીસ નો ભેટો થઈ ગયો હતો, અને તેં દારૂ પીધો છે, અને તારો કેસ કરવાનો છે. તેમ કહી બાઈકમાં ઉઠાવી ગયા પછી બંને શખ્સોએ ડરાવી ધમકાવી ખિસ્સામાંથી રૂપિયા ૯,૫૦૦ ની રોકડ રકમની લૂંટ ચલાવ્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા ભલાભાઇ અમરાભાઇ લાંબરીયા નામના ૪૬ વર્ષના ભરવાડ યુવાન ગઈકાલે પોતાનું ખાનગી કંપનીમાં રજૂ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં આવ્યા હતા, અને ત્યાંથી પરત પોતાના ઘેર જવા માટે વાહનની રાહ જોઈને સમર્પણ સર્કલ પાસે ગઈકાલે બપોરે ઉભા હતા?
જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે શખ્સો આવ્યા હતા, અને પોતે પોલીસ છે, તેવી ઓળખ આપી અને તેં દારૂ પીધો છે, જેથી તારો દારૂ અંગેનો કેસ કરવો છે. તેમ જણાવી બાઈકમાં બંનેની વચ્ચે બેસાડીને ઉઠાવી ગયા હતા.
ત્યારબાદ બંનેએ ભરવાડ યુવાનને ખોડીયાર કોલોની તરફ લઈ ગયા પછી એક સ્થળે ઉતારી દઈ તેના ખિસ્સા માંથી રૂપિયા ૯,૫૦૦ ની રોકડ રકમ ની લૂંટ ચલાવી લીધી હતી.
પોલીસના ડરના કારણે પોતે કશું બોલી શકેલ ન હતો, પરંતુ પોતાના ભાઈને સમગ્ર બનાવની વાત કર્યા પછી જામનગરનાના સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને આ ફરિયાદ નોંધાવી હતી. સીટી સી. ડિવિઝન પોલીસે બંને સામે લૂંટ અંગે નો ગુનો નોધી આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
સાગર સંઘાણી