જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘોડીરાત્રે ઘૂસેલા યુવાનને બે શખ્સોએ ધોકાવ્યો છે. જ્યારે તે શખ્સોએ પોતાના પર પણ હુમલો થયાની રાવ કરી છે. ઉપરાંત કડિયાવાડમાં એક યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે.
જામનગરના દેવુભાના ચોક વિસ્તારમાં આવેલી ટીંબાફળીમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા અનવર દાઉદ ગંઢાર (ઉ.વ.૪૦) ગુલાબનગરના વાંઝાવાસ પાસે રહેતા એક મહિલા સાથે પોતાને સંબંધ હોય, તેણીના ઘરમાં શનિવારે રાત્રે ગયા હતા. આ વેળાએ ત્યાં જ રહેતા સલીમ મિયાણા અને યુસુફ મિયાણા નામના બે શખ્સો અનવરને જોઈ જતાં તેઓએ બહાર બોલાવી અનવરને ધોકા-તલવારથી માર માર્યો હતો જેની સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદની સામે સલીમ ઈસ્માઈલ જામએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, શનિવારની રાત્રે અઢી વાગ્યે અનવર દાઉદ ગંઢાર એક મકાનમાં પ્રવેશ્યો હતો જેમાં સલીમના સંંબંધી રહેતા હોય તેણે અનવરને પૂછતા ઉશ્કેરાયેલા અનવરે લાકડી વડે હુમલો કરી નાકમાં ઈજા પહોંચાડી હતી. જમાદાર ફિરોઝભાઈ દલે બન્ને બનાવો અંગેની તપાસ હાથ ધરી છે.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી લાખાણી શેરી નં.પમાં રહેતા અકીલ ભોગીભાઈ લાખાણીને તેઓની શેરીમાં નાસ્તાની રેંકડી રાખવા બાબતે મયુર કાનાભાઈ પોપટ, કિશન કાનાભાઈ પોપટ તથા ધર્મેન્દ્ર દિનેશભાઈ પોપટ સાથે મનદુ:ખ થયા પછી શનિવારે રાત્રે અકીલ પર ઉપરોક્ત ત્રણેય શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ અકીલના નાનાભાઈના પત્ની સાથે અગાઉ મયુરને કહેવાતો સંબંધ હતો જેના કારણે નવેક મહિનાથી મનદુ:ખ ચાલી રહ્યું હતું તે દરમ્યાન શનિવારે રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો.