બેંગ્લોરમાં આઇ.ટી.વિભાગમાં નોકરીના બોન્ડ ભરવાના બહાને ગઠિયો રૂ.૧.૯૦ લાખની કળા કરી ગયો

જામનગરમાં રહેતા શખ્સે બેંગ્લોરમાં ઈન્કમટેકસમાં નોકરી અપાવવાની લાલચે બે લોકો સાથે લાખોની છેતરપિંડી થયાની ઘટના પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા ધર્મેન્દ્રગીરી લભુગીરી ગુસાઈ નામના ૫૦ વર્ષીય આધેડે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જામનગરના વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિશાલ કણસાગરા પોતે બેંગલોર ઈન્કમટેકસ વિભાગમાં નોકરી કરતો હોવાનું અને ૨૦ કર્મીઓને ભરતી કરવાનુ કહી ફરિયાદીના પુત્રને નોકરીએ રખાવવા માટે કહ્યું હતું. જેથી આરોપી વિશાલ કણસાગરાએ બોન્ડ પેટે રૂ.૧ લાખ ભરવાનુ કહી ટ્રેનિંગ પછી પૈસા પરત આવી જશે તેવું જણાવ્યું હતું.

જેથી ધર્મેન્દ્રગિરિ ગુસાઈના ભરોસે તેમના મિત્ર વિપુલ કરશનભાઇ પરમાર નામના ૪૨ વર્ષીય આધેડે પણ પોતાના પુત્રને બેંગલોર ઇન્કમટેક્સમાં નોકરીએ રખાવવા રૂ.૯૦,૦૦૦ વિશાલ કણસાગરાને આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ વિશાલે પોતાનો નંબર બંધ કરી નાસી ગયો હતો.જેથી પોલીસે બંને મિત્રોની ફરિયાદ પરથી વિશાલ કણસાગરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.