ટેન્કર, પેટ્રોલ અને ડિઝલ મળી રૂા.16.36 લાખનો મુદામાલ કબ્જે
ન્યારા કંપનીમાંથી પેટ્રોલ અને ડિઝલ ભરીને નીકળતા ટેન્કરના ચાલક સાથે મળી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતા ઝાખરના સરપંચના નજીકના સગા સહિત બે શખ્સોની જામનગર એસઓજીએ ધરપકડ કરી ટેન્કર સહિત રૂા.16.36 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલા પડાણા પાસે પ્લાન્ટ-ટેક ઇન્ડસ્ટ્રીયલ સર્વિસના યાર્ડની બાજુમાં ઝાખર સરપંચના નજીકના સગા વિશ્ર્વરાજસિંહ અજીતસિંહ જાડેજા અને ભીમરાણા ગામના વિરેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા ટેન્કરમાંથી પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતા હોવાની બાતમીના આધારે જામનગર એસઓજી પી.આઇ. બી.એન.ચોધરી, પી.એસ.આઇ. એ.એસ.ગરચર, એએસઆઇ ચંદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ કોડીયાતર, રમેશભાઇ ચાવડા, એ.બી.ચાવડા, અનિરૂધ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગીયા, સોયબભાઇ મકવા અને સહદેવસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે વિશ્ર્વરાજસિંહ અજીતસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા પાસેથી 8000 લિટર પેટ્રોલ અને 4000 લિટર ડિઝલની ટેન્કરમાંથી ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે ચોરાઉ પેટ્રોલ, ડિઝલ, ટેન્કર અને ચોરી કરવાના સાધનો મળી રૂા.16.36 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વિશ્ર્વરાજસિંહ જાડેજા સરપંચના નજીકના સગા હોવાથી ટેન્કર ચાલકોને લોભામણી લાલચ દઇ પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતો હોવાથી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે મેઘપર પોલીસે પૂછપરછ હાથધરી છે.