સાગર સંઘાણી

થોડા દિવસ પહેલા જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં ગ્રામીણ બેંક મહિલા કર્મચારીની પજવણી કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં સાથે કર્મચારીને ઠપકો આપતા સસરાની હત્યા કરવામાં આવી હતી તે મામલે પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામની છે જ્યાં રહેતા મિલનભાઈ ગોવિંદભાઈ ઘેટિયાના પત્ની અંકિતાબેન, કે જેઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે, તેઓની ગ્રામીણ બેંકમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા ધવલ મોરડીયાએ પજવણી કરતા મામલો બીચકયો હતો. મહિલાએ પરિવારને જાણ કરતાં અંકિતાબેનના પતિ મિલન, અને સસરા ગોવિંદભાઈ ગ્રામીણ બેંકમાં પહોંચી ગયા હતા.
ત્યાં ઝઘડો થયા પછી ધવલ મોરડીયા પોતાના ભાઈ અને કુટુંબિક કાકાની મદદથી ગોવિંદભાઈ ઘેટીયા પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી, જ્યારે અંકિતાબેનના પતિ મિલન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જે મામલે પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં ત્રણેય આરોપીઓ સામે હત્યા તેમજ હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જે ગુનાના અનુસંધાને પોલીસે ધવલ મોરડીયા અને તેના ભાઈ ચિરાગ ઉર્ફે ભોલો મોરડીયાની ધરપકડ કરી લીધી હતી, ત્યારબાદ તેના કુટુંબી કાકા જીતેન્દ્ર મોરડીયાની અટકાયત કરી લેવામાં આવી છે, અને હુમલામાં વપરાયેલા છરી-ધોકા સહિતના ત્રણ હથિયારો કબજે કરી લીધા છે. જે ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.