- જામનગર જિલ્લાના કાલાવડમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ: જામજોધપુર પંથકમાં પણ એક ઇંચ વરસાદ
સાગર સંઘાણી
જામનગર શહેરમાં આજે બપોર પછી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ ૬.૧૫ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, ભારે પવનના સાથેના તોફાની વરસાદને લઈને દોડધામ થઈ હતી.
જ્યારે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં બપોર દરમિયાન ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલ મળ્યા છે, તે જ રીતે જામજોધપુરના ધૂનડા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળી રહ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, અને જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત કાલાવડ અને જામજોધપુરમાં આજે પણ મેઘરાજાએ સટા સટી બોલાવી દીધી છે.
જામનગર શહેરમાં સાંજે ૬.૧૫ વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, ભારે ઉકાળાટ ભર્યા વાતાવરણ પછી એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવન સાથે પડેલા વરસાદના કારણે ભારે દોડધામ થઈ હતી. વીસેક મિનિટ સુધી ચાલેલા વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
જોકે ત્યારબાદ વરસાદ રોકાઈ ગયો હતો પરંતુ તોફાની વરસાદની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જેથી વિજ તંત્રને પણ ભારે દોડધામ થઈ હતી. જામનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.
તે જ રીતે કાલાવડ પંથકમાં બપોરે ૪.૦૦ વાગ્યા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને બે કલાકના સમયગાળા દરમિયાન દોઢ ઇંચ પાણી પડી ગયું હોવાથી નદી નાળામાં પુર આવ્યા હતા. કાલાવડના ગ્રામ્ય પંથકમાં તોફાની પવન અને કરા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.
ત્યારબાદ જામજોધપુરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ બંધાયેલો હતો, અને જામજોધપુર તાલુકાના મોટા વડાળા, મોટી ગોપ, સીદસર સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને બે કલાકના સમયગાળા દરમિયાન એકાદ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. ગ્રામ્ય પંથકમાં અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.