એસપી, એએસપી, એસડીએમ, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા: હોસ્પિટલ સિક્યુરિટી-પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો આપવામાં આવ્યા
જામનગર શહેર જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણના પગલે હાલ જીજી હોસ્પિટલ સંકુલમાં આવેલી કોવિડ હોસ્પિટલ પર હાલ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો સારવારના બેડ અપાવવાના નામે દર્દીઓના સગાઓને ખંખેરવાનો પ્રયાસ કરતા હોવાની વિગતો તંત્ર સમક્ષ પહોંચતા તંત્ર એકશનમાં જોવા મળ્યું હતુંઆજે સાંજે અચાનક જ જામનગર એસપી, એએસપી, એસડીએમ,મામલતદાર સહિતના અધિકારીઓ પોતાની ટીમ સાથે કોવિડ હોસ્પિટલની બહાર પહોંચ્યા હતા.કોવિડ હોસ્પિટલમાં હાલ 1 હજાર 500 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ નવા દર્દીઓ હોસ્પિટલમાં આવી જ રહ્યા છે. દર્દીઓના કારણે હોસ્પિટલ બહાર તેના સગાઓની ભીડ થતી હોય સંક્રમમ ફેલાવાનો ભય છે.
આ ઉપરાંત લેભાગુ તત્વોનો કોઈ દર્દીના સગા ભોગ ના બને તે માટે પણ તંત્ર એલર્ટ બન્યું છે. આજે પહોંચેલા અધિકારીઓએ હોસ્પિટલ પર અવરજવરના રસ્તાઓ, સુરક્ષા સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ જવાનોને જરુરી સૂચનો પણ કર્યા હતા.