સીડી ફેરવતી વેળાએ વીજ તાર અડી જતા દુર્ઘટના સર્જાય: શ્રમીકો સારવાર હેઠળ
જામનગર તાલુકાના ચંગા ગામમાં એક કારખાનામાં કામ કરતાં ત્રણ શ્રમિકો કે જેઓ મોટી સીડી એક સ્થળેથી બીજે સ્થળે ફેરવી રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 66કેવીની વીજ લાઇનને અડી જતાં ત્રણેયને વીજ આંચકો લાગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે વીજ તંત્ર તેમજ પોલીસ વિભાગ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે યુનાઇટેડ બ્રાસ નામની ફેક્ટરી આવેલી છે, જે ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ જીશાન પીંજારા, ભગીરથ તેમજ આસિફ રાઠોડ, કે જે ત્રણેય કર્મચારીઓ બુધવારે સાંજે સીડી ને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 66 કેવીની વીજ લાઈનને સીડી અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેય યુવાનો ફેકાઈ ગયા હતા.
જે ત્રણેયને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ બનાવની જાણ થતા જેટકો કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી વીજ પુરવઠો પુર્વત બનાવ્યો હતો.
સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને ત્રણે યુવાનોના નિવેદનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ ત્રણેયની તબિયત સુધારા પર છે.