જામનગરની એક ખાનગી શાળામાં બસ ચલાવતા વ્યક્તિને બસના કોન્ટ્રાકટ બાબતે વારંવાર હેરાન કરતા વસઈના શખ્સે ગઈકાલે ફોન પર ગાળો ભાંડી કેટલાક વ્યક્તિઓને ધમકી આપતા પોલીસમાં રાવ કરાઈ છે. જ્યારે અંધાશ્રમ આવાસમાં કૂતરાઓની બાબતે એક દંપતી પર છરી-ધોકા વડે હુમલો કરાયો છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દિલ્હી પબ્લિક સ્કૂલ નામની શાળાની બસ ચલાવતા સતારભાઈ તૈયબભાઈ પાસ્તાને તેઓની ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી શાળામાં અવારનવાર ઘૂસી જતાં વસઈ ગામના ઘનશ્યામસિંહ જાડેજા હેરાન કરતા હતા તેમજ સતારભાઈના ભાઈ જાવેદે આ શાળામાં બસ રાખવા માટે મેળવેલા કોન્ટ્રાક્ટ બાબતે બોલાચાલી કરતા હતા.
તે દરમ્યાન ગઈકાલે સવારે જાવેદના ભાગીદાર બાબુભાઈને ફોન કરી ઘનશ્યામસિંહએ ગાળો ભાંડી શાળાના મેનેજર અગ્રવાલ તેમજ સતારભાઈને ધમકી આપતા સતારભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
જામનગરની અંધાશ્રમ આવાસ કોલોનીમાં બ્લોક નં.૭ર/પમાં રહેતા દીપકભાઈ પ્રભુદાસ જોઈસરના પાડોશી વિનુભાઈ કનખરા તથા તેમના પુત્રો દીપેશ અને દીપેન કનખરા લત્તામાં કૂતરાઓને મારતા હોય તે બાબતે કહેવા માટે ગઈકાલે રાત્રે દીપકભાઈ ગયા હતા ત્યારે થયેલી બોલાચાલી પછી તેમના પર ઉપરોક્ત ત્રણેય શખ્સોએ છરી-ધોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ દીપકભાઈના પત્ની રૃપાબેન તથા માતા વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો.
હુમલામાં દીપકભાઈને માથામાં ધોકો તથા પડખામાં છરી વાગી ગઈ હતી. જ્યારે રૃપાબેનને માથામાં ધોકો વાગ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈ ચનિયારાએ તેઓના નિવેદન નોંધી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપતા પીએસઆઈ એમ.એસ. કોટવાળે દીપકભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના બાલવા ગામના લખમણભાઈ ભીમાભાઈ દેવીપૂજક પોતાના ઘર પાસે ક્રિકેટ રમતા છોકરાઓને નિહાળતા હતા ત્યારે રમતા રમતા છોકરાઓ ઝઘડી પડતા ત્યાં આવેલા જગદીશ અશ્વિન સોલંકી અને મગન ગગજી સોલંકી નામના બે શખ્સોએ તું ગાળો કેમ આપે છે? તેમ કહી લાકડી વડે લખમણભાઈને માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.