જામનગર સમાચાર
જામનગર શહેરમાં દિવાળીની રાત્રે 33 સ્થળે આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ નવા વર્ષના દિવસ સુધીમાં કુલ આગ લાગવાના 48 બનાવોને બન્યા હતા, અને તમામ સ્થળે ફાયર શાખાએ આગને કાબુમાં લીધી હતી. જામનગરની ઐતિહાસિક સુભાષ શાક માર્કેટ કે જેમાં નવા વર્ષના પ્રારંભે પરોઢિયે ફટાકડાના કારણે આગ લાગી હતી, અને આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શાક માર્કેટનો મોટો હિસ્સો બળીને ખાખ થયો હતો, પરંતુ ફાયરે માર્કેટનો અન્ય કેટલોક ભાગ બચાવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે નવા વર્ષના પ્રારંભના પરોઢિયે 4.30 વાગ્યાના અરસામાં માર્કેટના અંદરના ભાગમાં સળગતો ફટાકડો પડવાના કારણે આગ લાગી હતી, અને માર્કેટની અંદર રાખવામાં આવેલો લાકડાનો જથ્થો, કંતાંનના ઢગલા, તેમજ શાક ભરવા માટેના પ્લાસ્ટિકના કેરેટ વગેરે સળગી ઊઠ્યા હતા, અને જોતજોતામાં જ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની એક ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોઈને અન્ય પાંચ ફાયર ફાઈટરને બોલાવી લેવાયા હતા, અને સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી 12 જેટલા પાણીના ટેન્કરની મદદ લઈને આગને બુઝાવી દીધી હતી.
જો કે તે પહેલાં શાક માર્કેટ નો મોટો હિસ્સો બળીને ખાખ થયો હતો. જયારે ફાયરે બાકીનો કેટલોક હિસ્સો બચાવી લીધો હતો. આગ બનાવની જાણ થતાં વિજ તંત્રની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેના કારણે આગના લબકારા જોઈને આસપાસના વિસ્તારના લોકો સફાળા જાગી ગયા હતા, અને બહોળી સંખ્યા માં એકત્ર થયા હતા. જોકે આગ કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આગના કારણે શાક માર્કેટના અનેક વેપારીઓને ભારે નુકસાની થઈ છે.