2 મહિને એક વખત મળતી સામાન્ય સભામાં ફકત બે એજન્ડાનો સમાવેશ કરાતા શહેરમાં જાણે કોઇ સમસ્યા જ નથી

વિપક્ષે રોસ્ટરમાં ચેડા, ગટર, સફાઇના પ્રશ્નો ઉઠાવી અધૂરી:  માહિતીનો આક્ષેપ કર્યો: અધ્યક્ષ મેયર અને અધિકારીઓએ કહ્યું જોઇ લેશું, નિયમ મુજબ કરશું

અબતક,જામનગર

જામનગર મહાનગરપાલિકાની દર બે મહિને એક વખત મળતી સામાન્ય સભા મંગળવારે ટાઉનહોલમાં મળી હતી. આમ છતાં સામાન્ય સભામાં ફકત બે એજન્ડાનો સમાવેશ કરી શહેરના વિકાસ કે શહેરીજનોને માટે કષ્ટદાયક પ્રશ્નોની કોઇ ચર્ચા ન કરવાની સાથે શહેરમાં જાણે કોઇ સમસ્યા જ નથી તેવું આભાસી ચિત્ર દેખાડવાનો પ્રયાસ કરી શહેરીજનોના આંખે પાટા બાંધવાનો પ્રયાસ કરવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.

વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ રોસ્ટરમાં ચેડા, ભૂગર્ભ ગટર, સોસાયટીમાં સફાઇ, ફાયર સેફટીની નોટીસના પ્રશ્નો ઉઠાવી અધૂરી માહિતીનો આક્ષેપ કર્યો હતો તો બોર્ડના અધ્યક્ષ મેયર અને અધિકારીઓએ જોઇ લેશું, નિયમ મુજબ કાર્યવાહી થશે તેવા પ્રત્યુતર પાઠવી સંતોષ માની લઇ સભાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.જામ્યુકોની સામાન્ય સભા મંગળવારે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલમાં મળી હતી. બોર્ડમાં ફકત બે અજેન્ડા હોય 8 મીનીટમાં પૂર્ણ થઇ ગયા હતાં.જેમાં ગત મીનીટસને બહાલી અને જૈવા વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના માટે ભાજપના નગરસેવક કિશન માડમે દરખાસ્ત રજૂ કરતા સુભાષ જોશીએ ટેકો આપતા સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસનના કોઇ સભ્યને લેવામાં ન આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.પ્રશ્નોતરીમાં વિપક્ષનો આક્ષેપ; નિયમ મુજબ કર્મીઓને બઢતી નહીં, સોસાયટીમાં સફાઇનો અભાવ, ફાયર સેફટી ઓફીસરની નિમણૂંક નહીં, ભૂગર્ભ ગટરનું નબળું કામ વિપક્ષના નવનિયુકત નેતા આનંદ રાઠોડે મનપામાં રોસ્ટર પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીઓની બઢતી કરવામાં ન આવતી હોવાનો અને રોસ્ટરમાં ચેડા કરી લોકભાગીદારીથી સોસાયટીમાં થતી સફાઇમાં લોલમલોલ ચાલતું હોવાનું જણાવ્યું હતું.કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ વિપક્ષના નવા નેતાઓને મેયરે અભિનંદન ન પાઠવતા રોષ વ્યકત કરી બોર્ડના એજન્ડામાં શહેરના વિકાસના કોઇ મુદાનો સમાવેશ ન કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. કોંગી નગરસેવિકા જૈનબબેન ખફીએ શહેરમાં ત્રણ દિવસથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી બંધ હોય કંપનીને બ્લેકલીસ્ટ કરવા અને શહેરમાં કેટલી મિલકતને ફાયર સેફટી મુદે નોટીસ આપી તેની અધૂરી માહિતી અને એક વર્ષથી ફાયર સેફટી ઓફીસરની નિમણૂંક ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગી નગરસેવક અસલમ ખીલજીએ ભૂગર્ભ ગટરનું નબળું કામ કરનાર રાજા રામ કંપનીને ટર્મીનેટ કરવામાં આવી છે પરંતુ જો તેને નાણાંનું ચૂકવણું કરવામાં આવશે તો સાંખી લેવમાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

શહેરમાં કંપનીના પ્રદૂષણ મુદે સામાન્ય સભા પૂર્વે મોં પર સૂત્રો લખી દેખાવ, બોર્ડ પૂર્ણ થયા બાદ મેયરને ઘેરાવ

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપનીના અવાજ, દુર્ગંધના પ્રદૂષણની સમસ્યા અંગે મહાનગરપાલિકાના જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણિયા અને આ વિસ્તારમાં રહેતી અન્ય મહિલા તથા લોકોએ મોં પર અધિકારીઓને સસ્પેન્ડ કરો, સરકાર ન્યાય આપેના સૂત્રો લખી દેખાવ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આટલું જ નહીં સામાન્ય સભામાં રચનાબેને કંપની પાસે પર્યાવરણનું એનઓસી નથી, મનપા પાસે કંપનીના પ્રોજેકટની કોપી નથી તે સહિતના પ્રશ્નો ઉઠાવી કંપનીને મેયરના વોર્ડમાં ખસેડવા માંગણી કરી હતી. પરંતુ મેયર અને અધિકારીઓએ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા બોર્ડ પૂર્ણ થયા બાદ રચનાબેન અને અન્ય મહિલાઓએ મેયર અને તેની કારને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું

કંપનીના પ્રદૂષણ મામલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપનીના અવાજ, દુર્ગંધ સહિતના પ્રદૂષણનો પ્રશ્ન મંગળવારે સામાન્ય સભામાં કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ ઉઠાવી પ્રદૂષણના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો રહી ન શકતા હોય તેમ જણાવી કંપનીને શહેરથી દૂર ખસેડવા માંગણી કરી હતી. જેની સામે ભાજપના નગર સેવકો જયરાજભાઇ અને પૃથ્વીસિંહે પ્રદૂષણ નિવારવા કમિશ્નરે ખાતરી આપ્યા બાદ આ કંપની હાલ બંધ હોય આ મુદે ચર્ચા યોગ્ય ન હોવાનું જણાવતા ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.