જામનગરની હરિયા ગ્લોબલ સ્કૂલમાં પ્રિન્સીપાલની ફરજ બજાવતા એક મહિલાના પતિ નોકરી માટે વિદેશ ગયા હોય અને તેણીને ત્યાં જવું ન હોય તે બાબતનું ડિપ્રેશન ઉભું થતા આ મહિલાએ ટીકડા ગળી આત્મહત્યા વ્હોરી છે. મૃતકનો પુત્ર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા રોઝી પેટ્રોલપંપ નજીકની ઓશવાળ હાઈટ નામની ઈમારતના ફલેટ નં.૧૦૨માં વસવાટ કરતા અને હરિયા ગ્લોબલ સ્કૂલમાં પ્રિન્સીપાલની ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના સીમાબેન ભૂપેન્દ્રસિંહ શેખાવત (ઉ.વ.૩૬) નામના મહિલાએ ગઈકાલે એક દવાના વીસેક જેટલા ટીકડા એકસાથે ગળી લેતા તેઓ બેશુદ્ધ બની ગયા હતા.
આ બાબતની જાણ થતા દોડી આવેલા તેમના સંબંધી મોહનસિંહ ભોપાલસિંહ રાઠોડ (ઉ.વ.૬૭)એ સીમાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરાઈ હતી.
સિટી-સી ડિવિઝનના દોડી ગયેલા અધિકારીએ મોહનસિંહનું નિવેદન નોંધ્યું હતું જેમાં ખૂલ્યા મુજબ સીમાબેનના પતિ ભૂપેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત યુ.એ.ઈ.માં મસ્કતમાં નોકરી માટે ગયા છે. જ્યારે તેઓની ગેરહાજરીમાં થોડા સમય પહેલા સીમાબેનનો પુત્ર પણ રાજસ્થાનમાં એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ માટે નીકળ્યો છે ત્યારે પતિ તેમજ પુત્ર વગર સીમાબેન આ ઈમારતમાં એકલા વસવાટ કરતા હતા અને સાથે નોકરી પણ કરતા હતા. તેઓને થોડા સમયથી વિદેશ જવાની વાતચીત ચાલતી હતી, પરંતુ સીમાબેનની ત્યાં જવાની ઈચ્છા ન હોય તેણી ડિપ્રેશનમાં આવી ગયા હતા જેના પગલે સીમાબેને વીસેક જેટલી ટીકડીઓ ગળી લીધી હતી.
ઉપરોકત નિવેદનની નોંધ કરી પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.