- સગીર સાળીને ભગાડી જવાના ઇરાદે ઘુસેલા જમાઈએ સસરા પર હુમલો કરતા ચકચાર
- સસરાને કુહાડીનો ઘા ઝીંકી દેતા સસરાને ઇજા: મામલો પોલીસ મથકે પહોંચ્યો
જામનગર ન્યૂઝ : જામનગરમાં પ્રણામી વે બ્રિઝ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. ગત મોડી રાતે સગીર સાળીને ભગાડી જવાના ઇરાદે જમાઈ સસરાના ઝુંપડામાં ત્રાટક્યો હતો. આ વેળાએ સળવળાટ થતા સસરા નીંદરમાંથી જાગી ગયા હતા જે જમાઈને જોઈ જતાં જમાઈ જમ બન્યો હતો અને સસરાને કુહાડીનો ઘા ઝીંકી દેતા સસરાને ઇજા થવા પામી હતી. જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે આ અંગે ફરિયાદ બાદ પોલીસે આરોપી જમાઈ સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ વિસ્તારમાં આ ઘટના સામે આવતા દેકારો બોલી ગયો હતો.
પોલીસ દ્વારા કાર્યવાહી
કેસ મામલે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં પ્રણામી વે બ્રિજ પાછળના ભાગમાં ઝુપડપટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના કરણ ગલીયાભાઈ મોહનિયા (ઉ.વ ૨૨) વિસ્તારમાં ઝૂંપડું બનાવીને રહેતા પોતાના સસરા સજનસિંહ ફતુભાઈ પારઘી પર કુહાડી વડે હુમલો કર્યો હતો.કરણ ગલીયાભાઈ મોહનિયા નામનો શખ્સ જે ઇજાગ્રસ્ત સજજનસિંહનો જમાઈ થાય છે, ગત મોડી રાત્રે સજજનસિંહ અને તેની નાની સગીર પૂત્રી કે જેઓ ઝુપડામાં સુતા હતા, જે દરમિયાન આરોપી પોતાની સગીર સાળીને ભગાડી જવા માટે આવ્યો હતો. જે દરમિયાન તેના સસરા એકાએક જાગી જતાં જમાઈએ ઉશ્કેરાટ માં આવી જઈ સસરા પર હુમલો કરી દીધો હતો.
આરોપીએ માથામાં કુહાડાનો ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જીવલેણ હુમલા ના બનાવ અંગે ઇજાગ્રસ્ત સજનસિંહના નાના ભાઈ આનંદ પથુભાઈ પારઘી એ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કરણ મોહનિયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ના અનુસંધાને પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭,૩૨૩, તેમજ જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
સાગર સંઘાણી