કોરોનાના કપરાકાળમાથી ઉગરવા ભારત સહિત વિશ્વભરના દેશો પ્રયત્નોમાં જુંટાયા છે. ભારતમાં થોડા દિવસોનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથું ઉંચકતા સતત 17મા દિવસે કોરોનાના કેસમાં તીવ્ર ગતિએ વધારો થયો છે. એમાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ પરિસ્થિતિ અનિયંત્રીત બની છે. જેનાથી ગુજરાતમાં વાયરસનું મોટુ જોખમ ઉભુ થયુ છે. એક તરફ કોરોના અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નેતાઓ સહિત સામાન્ય લોકો દ્વારા નિયમોનો બેફામ રીતે ઉલાળીયો સરકાર સહિત તમામને હવે પહેલાની જેમ પાછી ‘ભાન’ કરાવે તો નવાઈ નહીં. જામનગરના પૂર્વ રાજ્યમંત્રી અને મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદી સહિત સમગ્ર પરિવારના સભ્યો કોરોનાની ચપેટમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદી, તેમના પતિ નરેન્દ્રભાઇ ત્રિવેદી, પુત્ર દક્ષભાઈ ત્રિવેદી અને અમીબેન ત્રિવેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અત્યાર સુધી ચૂંટણી દરમિયાન કોરોના જાણે ભાગી ગયો હોય, તેમ ઠેર ઠેર મેળાવળા, નિયમભંગ કરી પ્રચાર અને ફૂડ પાર્ટી મનાવાઈ હતી. પરંતુ હવે, ચૂંટણી પૂર્ણ થતા જ નિયમભંગની સજા ‘કોરોના’ જરૂરથી આપશે જ તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસ ફરી સક્રિય થતા ગુજરાતમાં સતત સાતમા દિવસે 400થી વધુ કેસ નોંધાયા છે. એમાં પણ સુરત અને અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે