કચ્છી ભાનુશાળી અને સિંધી ભાનુશાળી જ્ઞાતિના બે પરિવારના પાંચ વ્યકિતઓની એકી સાથે નિકળેલી અંતિમયાત્રામાં અશ્રુઓનો દરિયો છલકાયો

જામનગર ના દિગવિજય પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા કચ્છી ભાનુશાળી અને સીધી ભાનુશાલી જ્ઞાતિ ના પરિવારના મળી કુલ પાંચ વ્યક્તિના સપડા ડેમમાં નાહવા ગયા પછી એકી સાથે મૃત્યુ નીપજ્યાના બનાવને લઈને ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.  પાંચેયની એકી સાથે અર્થી ઉઠતાં સમગ્ર વિસ્તાર શોક મગ્ન બન્યો હતો, અને અશ્રુઓનો દરિયો છલકાયો હતો. સમગ્ર કચ્છી અને સીંધી ભાનુશાળી સમાજ તથા મોટી સંખ્યામાં મૃતકના પરિજનો વગેરે દ્વારા ભારે હૈયે પાંચેય ને અંતિમ વિદાય અપાઇ હતી.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં વસવાટ કરતા  એક પરિવારના ત્રણ વ્યક્તિઓ  જેમાં મહેશભાઈ કાનજીભાઈ મંગે (ઉ.વ.42 ) અને લીલાબેન મહેશભાઈ (ઉ.વ. 40), તેમજ તેઓનો પુત્ર સિદ્ધાર્થ મહેશભાઈ (ઉ.વ.19 ) ઉપરાંત પાડોશમાં રહેતા અનીતાબેન ઉર્ફે શીતલબેન વિનોદભાઈ દામા (ઉ. વ. 45) અને તેમનો પુત્ર રાહુલ વિનોદભાઈ દામાં (ઉ.વ.16) કે જેઓ ગઈકાલે બપોરે જામનગર નજીક આવેલા સપડા ડેમમાં ફરવા અને નાહવા માટે ગયા હતા ત્યાં પાંચેય વ્યક્તિના ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.

બે મહિલા અને બે બાળકો કે જેઓના ચંપલ ડેમના કાંઠે પડ્યા હતા પરંતુ મહેશભાઈ કે જેનો  મૃતદેહ મળ્યો ત્યારે તેઓએ બુટ પહેરેલા હતા, એટલે પોલીસે એવું અનુમાન લગાવ્યું છે, કે પરિવારના અન્ય ચાર સભ્યો નાહવા માટે પડ્યા દરમિયાન હતા તેઓને ડૂબતાં બચાવવા માટે મહેશભાઈ પણ પાણીમાં કુદી પડ્યા હતા અને આખરે પાંચેય ના મૃત્યુ નીપજ્યા હતા.  જે પાંચેય મૃતકોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવ્યા પછી સવારે તમામનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, અને મૃતદેહોનો કબજો તેમના પરિવારજનો ને સોંપી દેવાયો હતો જેથી રવિવારે બપોરે 4 વાગ્યે  કચ્છી ભાનુશાળી જ્ઞાતિની વાડીની બાજુમાં પાંચેયની એકી સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી, અને ત્યાંથી પાંચેય અર્થી એકી સાથે ઉઠી હતી ત્યારે સમગ્ર જ્ઞાતિજનો તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ભારે ગમગીની ફેલાઈ હતી. તેઓની સ્મશાન યાત્રા વેળાએ અશ્રુઓ નો દરિયો છલકાયો હતો. તેઓને આદર્શ સ્મશાનમાં લઈ ગયા પછી પાંચેયને અંતિમ વિદાય આપવામાં આવી હતી, ત્યાં પણ ભારે શોકમગ્ન વાતાવરણ જોવા મળ્યું હતું.

મૃત્યુ પામેલા હતભાગીઓને મોરારીબાપુ દ્વારા સહાય જાહેર કરાઈ

જામનગર ના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા કચ્છી તેમજ સિંધી ભાનુશાળી પરિવારના બે કુટુંબના પાંચ વ્યક્તિઓના સપડા ડેમમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા પછી પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુ દ્વારા રૂપિયા 15-15 હજારની પ્રસાદી રૂપે સહાય જાહેર કરવામાં આવી છે.

જામનગર તાલુકાના સપડા ગામે જામનગરના વતની પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે, તેઓને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે  પૂજ્ય મોરારી બાપુ એ 15-15 હજાર સંવેદના સાથે મોકલાવ્યા છે, અને તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

ઉપરાંત મૃતકોના પરિવારજનોને દિલોસોજી પાઠવી છે.

પાંચ વ્યકિતઓના મોત થતાં દિગ્વીજય પ્લોટ વિસ્તાર સજજડ બંધ

Screenshot 8 19

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા કચ્છી ભાનુશાળી પરિવારના ત્રણ સભ્યો જ્યારે સિંધી ભાનુશાલી પરિવારના બે સભ્યોના મૃત્યુને લઇને સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે, ત્યારે સ્થાનિક વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા, અને સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા એક પરિવારના ત્રણ વ્યક્તિ જ્યારે પાડોશીના પરિવારના બે વ્યક્તિ સહિત પાંચ વ્યક્તિના મૃત્યુને લઈને સમગ્ર વિસ્તારમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું. જેઓની આજે અંતિમયાત્રા નીકળી તે પહેલા દિગ્વિજય પ્લોટ શેરી નંબર 51 થી શેરી નંબર 64 સુધીમાં તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા, અને સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.