જામનગર સમાચાર

જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારીની બહેન કે જેને અમરેલીમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સાથે પરણાવી હતી, જ્યાં તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજ ના કારણે મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો, તેમ જ પોલીસ પતિ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખતો હોવાથી પરણિતાને સગીર પુત્ર સાથે હાંકી કાઢતાં જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસ કર્મચારી એવા પતિ સહિતના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શરૂશેકસન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર માં રહેતા અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પારુલબા જાડેજા નામના મહિલા પોલિસ કર્મચારી ની બહેન પૂનમબા ના લગ્ન અમરેલીમાં રહેતા અને અમરેલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ દિલુભા ગોહિલ સાથે થયા હતા, જે લગ્ન થકી તેઓને એક પુત્રનો જન્મ થયો હતો.પ્રારંભમાં સારી રીતે રાખ્યા પછી પૂનમબા ને તેણીના પોલીસ પતિ- સાસુ અને બે નણંદ સહિતના સાસરીયાઓએ દહેજ ના કારણે મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો, અને દહેજ પેટે પૈસાની માંગણી કરાતી હતી, તેમજ અન્ય ચીજ વસ્તુઓની માંગણી કરવામાં આવી હતી.

જે માંગણી પૂનમબા સંતોષી શક્યા ન હતા, ઉપરાંત-પોલીસ કર્મચારી પતિ ઇન્દ્રજીતસિંહ ગોહિલ કે જે અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હોવાથી પૂનમબા ને તરછોડી દીધી હતી, અને સગીર સંતાન સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.આથી તેણી જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી, અને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

જ્યાં પૂનમબાની ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એલ. ગોહિલ તેમજ સ્ટાફના દિનેશભાઈ તથા સમરતદાન ગઢવી વગેરેએ પૂનમ બાના પતિ પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ ગોહિલ, સાસુ ગુણવંતીબા દિલુભા ગોહિલ તેમજ નણંદ ચેતનાબા કનકસિંહ જાડેજા, તથા દિપાલીબા પરાક્રમસિંહ જાડેજા સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ, તેમજ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર અમરેલી અને ભાવનગર સુધી લંબાવ્યો છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.