જામનગરના એક બાળકને ઓપરેશન માટે ભગવતી યુરોલોજી હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેને એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. આ બાળક બેભાન બની ગયા પછી તેનું મૃત્યુ થતાં તેના પિતાએ બે તબીબ સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે રૃપિયા સાત લાખની રકમ ચૂકવવા બન્ને તબીબને હુકમ કર્યો છે.
જામનગરના વિરેનભાઈ જગદીશભાઈ નિમાવતના છ વર્ષના પુત્ર દેવર્ષને નાનકડી શસ્ત્રક્રિયા માટે ડો. ધીરેન બુચની ભગવતી યુરોલોજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં આ બાળકનું ઓપરેશન કરતા પહેલા રિપોર્ટ કરાવવામાં આવતા તે તમામ નોર્મલ આવ્ય હતાં. તે પછી ઓપરેશન વગેરેના ખર્ચની રકમ હિરેનભાઈ પાસેથી વસૂલવામાં આવી હતી.
ત્યારપછી બાળક દેવર્ષને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડો. પ્રવિણ કાનાણીએ દેવર્ષને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યું હતું. તે પછી દેવર્ષ બેભાન બની જતાં ડો. કાનાણી તથા ડો. ધીરેન બુચે પિતા ઉરેશભાઈને જણાવ્યું હતું કે દેવર્ષ બેભાન બની ગયો છે તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવો પડશે. આ બાળકે એનેસ્થેસિયાના ઈંજેક્શન પછી ઓક્સીજન લેવાનું બંધ કરતા તેને બહારથી ઓક્સીજન આપવામાં આવતો હતો. તે દરમિયાન દેવર્ષનું મૃત્યુ નિપજ્યું હતું.
આથી હિરેનભાઈ નિમાવતે પોતાની પુત્રની ડો. બુચ તથા ડો. કાનાણીએ સારવારમાં બેદરકારી રાખવાના આરોપ સાથે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોને માન્ય રાખી ફરિયાદ અંશત: મંજુર કરી ડો. કાનાણી તથા ડો. બુચએ સંયુક્ત અને વિભક્ત રીતે રૃપિયા સાત લાખ ફરિયાદીને ચૂકવી આપવા તેવો હુકમ કર્યો છે. માનસિક ત્રાસ બદલ રૃપિયા ૧૦ હજાર, ફરિયાદ ખર્ચના રૃપિયા ૩ હજાર પણ આપવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, મયુર કટારમલ રોકાયા હતાં.