મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ કેમ ન ગોઠવ્યો, સરકારી કાર્યક્રમમાં હાજરી કેમ ન આપી…?
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા આચાર્યો અને શિક્ષકોને શિક્ષણ સમિતિના ચેરમેને સરકારી કાર્યક્રમમાં હાજર ન રહેવા તેમજ સરકારી કાર્યક્રમ ન ગોઠવવા માટે ખુલાસો માંગતો કાગળ લખતા ભારે ચકચાર મચી છે. ચેરમેન દ્વારા આવી રીતે ખુલાસો માંગી શકાતો નથી જેના કારણે શિક્ષકો અને આચાર્યોમાં અંદરખાને રોષ ફેલાઈ જવા પામ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 44 આચાર્યો જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત તા.30-4ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપીસોડ હતો. જે અંગે નિરીક્ષકો તરફથી સોશિયલ મીડિયા મારફતે સૂચના આપવામાં આવી હતી કે, આ કાર્યક્રમ કરવો પરંતુ 20 જેટલા આચાર્યોએ આ કાર્યક્રમ શાળામાં ન ગોઠવતા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા રોષે ભરાયા હતા અને તમામના ખુલાસા કાર્યક્રમ ન કરવા અંગેના માગ્યા હતા. આ ઉપરાંત 1લી મેએ ગુજરાત સ્થાપના દિનના દિવસે આચાર્યો અને શિક્ષકોને કાર્યક્રમોમાં હાજરી દેવાની સૂચના અપાઇ હતી. પરંતુ 42 જેટલા આચાર્યો અને શિક્ષકો હાજર ન રહેતા તેમનો પણ ખુલાસો મંગાયો છે.
બીજી બાજુ સમગ્ર ખુલાસાને લઇને વાતોનો વંટોળ પણ શરૂ થઇ ગયો છે કે આવી રીતે ખુલાસો માગવાની ચેરમેનની સતા નથી. ખાનગીરાહે એવી પણ ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે નિયમ મુજબ ચેરમેનને આવો કોઈ ખુલાસો માંગવાની સત્તા નથી, તો આગામી દિવસોમાં જામનગરમાં આ બાબતે કોઇ નવાજૂની થવાના સંકેત જરૂર મળી રહ્યાં છે.