મુખ્યમંત્રીના કાર્યાલય ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી એસ.પી.ને ભલામણ નો ફોન કરનાર આરોપી ને અમદાવાદમાંથી ઝડપી લેવાયો
જામનગર ની સાયબર ક્રાઇમ સેલની ટીમેં તાજેતરમાં પકડેલા આરોપીને છોડાવવા માટે મુખ્યમંત્રી ના કાર્યાલયના અધિકારીની ખોટી ઓળખ આપી જામનગરના જિલ્લા પોલીસવડા ને ફોન કરનાર શખ્સને જામનગર પોલીસે શોધી કાઢ્યો છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તેની અમદાવાદમાંથી અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા છે, અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.
આ સમગ્ર પ્રકરણની હકીકત એવી છે કે જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ દિવસ પહેલાં આમીન ઉર્ફે અરમાન અસલમ ગરાણા નામના એક આરોપીને સુરતથી દબોચી લઇ બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે.
લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આરોપીઓનો માસ્ટર માઈન્ડ એવા આરોપી આમીન ઉર્ફે અસલમને છોડાવવા નિકુંજ પટેલના નામથી જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ ને આજથી ત્રણ દિવસ પહેલાં એક કોલ આવ્યો હતો.જેમાં પોતે નિકુંજ પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહી આ શખ્સે આમિરને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી.
જેને લઈને જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું, અને જે નંબર પરથી જિલ્લા પોલીસ વડા ને આવ્યો હતો, તે ફોન કરનાર વ્યક્તિ અંગેની ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલયમાં તપાસ કરાવી હતી જે તપાસ દરમિયાન આવી કોઈ વ્યક્તિ ન હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યાર બાદ વોટ્સએપ કોલને લઈને જામનગર એસ.પી. તેમજ એલસીબી ની ટીમે તાત્કાલિક રીસીવ થયેલા નંબરની તપાસ કરાવી હતી, જેમાં નિકુંજ પટેલ સરકારી અધિકારી નહિ હોવાનું આને માત્ર આરોપીને છોડાવવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું હતું.
આથી જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું, અને એલસીબીના એએસઆઈ ભરતભાઈ નાથાભાઈ પટેલ જાતે ફરિયાદી બન્યા હતા, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ૭૬૦૦૪૪૨૦૫૫ ના નંબર પરથી એસપીના મોબાઇલમાં કોલ કરનાર નિકુંજ પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, અને તેની સામે આઇપીસી કલમ ૧૭૦ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દરમિયાન એલસીબી ની ટુકડીએ તાબડતોબ મોબાઈલ નંબર ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને તેનું ટાવર લોકેશન અમદાવાદનું આવ્યું હતું. જેથી જામનગરની ટુકડીએ અમદાવાદમાં રઝળપાટ કર્યા પછી નિકુંજ પટેલ નામના શખ્સને શોધી કાઢ્યો હતો, અને તેને આજે વહેલી સવારે જામનગર લઈ આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. છે આરોપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ના કાર્યાલયના સરકારી ઓફિસરની ખોટી ઓળખ આપનાર સામે અગાઉ પણ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.