જામનગરમાં જોખમરૂપ જર્જરિત ઇમારતોની યાદી સદી વટાવી ચુકી છે. સાંજસમાચાર દ્વારા જીવના જોખમરૂપ એવી આ ઇમારતો અંગે અવાર નવાર અહેવાલો પ્રસિધ્ધ કરી તંત્રના કાન ખેંચવામાં આવે છે, તંત્ર માત્ર નોટીસ ફટકારી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે ખાનગી માલિકીની ઇમારતો તોડી પાડવામાં માહીર એવા સરકારીતંત્રને ખુદ સરકારી અર્ધસરકારી જર્જરિત ઇમારતો જ નજરમાં નથી આવતી…!! ગઇકાલે સરકારની પોતાના જ માલિકીના એસ.ટી.બસ સ્ટેન્ડ ડેપોની કેન્ટીનના છતનો મલબો તુટી પડયો હતો.
જામનગર એસ.ટી.ડેપો જિલ્લાનું મુખ્ય એસ.ટી.બસ સ્ટેન્ડનું મથક હોય અંહી રોજના હજારો પ્રવાસીઓ અવર-જવર કરે છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ એસ.ટી.બસનો જ મહત્તમ ઉપયોગ કરે છે. ત્યારે આ પ્રવાસીઓ માટે બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલી કેન્ટીનમાં ગઇકાલે ઘડાકાભેર છતનો જર્જરિત ભાગ તુટી પડયો હતો. જેના કારણે અંહી હાજર લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી અને ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા થવા પામી હતી. જર્જરિત અને જોખમરૂપ એસ.ટી.બસ સ્ટેન્ડના બાંધકામ તરફ કેમ ધ્યાન દેવામાં નથી આવતું..? શા માટે તેને રીપેર કરવામાં નથી આવતી..? શું તંત્ર આ ઇમારતમાં કોઇનો ભોગ લેવાય તેની રાહ જોઇ રહ્યું છે..? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.