જામનગર સમાચાર
જામનગર શહેરની પાણીની જરૂરિયાત આગામી વરસોમાં વધશે જેને ધ્યાનમાં રાખી, આગામી સમયમાં શહેર માટે રણજિતસાગર ડેમમાંથી પાણીનો વધુ જથ્થો મેળવવા નવી અને મોટી પાઈપલાઈન પાથરવામાં આવી રહી છે.
જામનગરને પાણી પૂરું પાડતાં ચાર ડેમ પૈકીનો રણજિતસાગર ડેમ જામનગર મહાનગરપાલિકાનો છે. રાજાશાહીના જમાનામાં બનેલાં અને આજેય અડીખમ ઉભેલાં આ ડેમની વિશિષ્ટતા એ છે કે, આ ડેમમાંથી સાત કિલોમીટર દૂર જામનગરમાં પંપ હાઉસ સુધી પાણી પહોંચાડવા વીજળીનો ઉપયોગ કરવો પડતો નથી.
જમીનનો કુદરતી ઢાળ જ એ પ્રકારનો હોય ગ્રેવિટીથી આ પાણી જામનગર સુધી પહોંચે છે.હાલમાં આ ડેમથી પંપ હાઉસ સુધી વધુ પાણી પહોંચાડવા નવી 1,000 ડાયામીટરની પાઈપલાઈન પાથરવામાં આવી રહી છે. આ કામ પૂર્ણ થયે જામનગરને આ ડેમમાંથી દૈનિક 45 ળહમ પાણી મળશે. હાલ આ ડેમમાંથી દૈનિક માત્ર 25 ળહમ પાણી મેળવી શકાય છે.
કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ આ પાઈપલાઈન પાથરવાની કામગીરી કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલની ટીમ ના સુપરવિઝન પ્રમાણે કરવામાં આવી રહી છે. આ ટીમમાં નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન દાઉદ્રા વગેરે જોડાયેલા છે. આ ટીમે અબતક ને માહિતી આપતાં જણાવ્યું છે કે, આગામી ચોમાસા પહેલાં એટલે કે જૂન-2024 પહેલાં આ કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવશે. પાછલાં 4 મહિનામાં આ પાઈપલાઈનની કામગીરીઓ 40 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર યોજના રૂપિયા 28 કરોડની છે..