દેશના યુવા વર્ગને ખોખલા કરી રહેલા ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા ચાલી રહેલ ઝુંબેશ વચ્ચે જામનગરમાંથી એસઓજી પોલીસે ત્રણ શખસોને મેફડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખસોની ધરપકડ કરી છે. શહેરના ઢીંચડા રોડ ઉપર આવેલ તિરૂપતિ સોસાયટીમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીના સ્ટાફે તિરૂપતિ પાર્ક-૨માં રહેતા રીતેશ દિનેશ હાડા, દિનેશ જગદીશ હાડા તથા મયુરસિંહ પ્રવિણસિંહ વાઢેર નામના ત્રણ શખસોને પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય શખસોના કબ્જામાંથી રૂા.૨૬૮૫૦૦ની કિંમતના ૨૬.૮૫ ગ્રામ મેફડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આંતરી લીધા હતા.
આ ત્રણેટ શખસો બહારથી ડ્રગ્સ લઈ આવી વેચતા હોવાનું બહાર આવ્યું હતું. આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા ? કોણ કોણ સંડોવાયું છે? લોકલ નેટવર્ક છે કે આંતર રાજ્ય કે પછી આંતરરાષ્ટ્રીય તેનો તાગ મેળવવા પોલીસે ત્રણેય શખસોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.