સીસી ટીવી ફૂટેજમાં મોઢે રૂમાલ બાંધેલો કાળો જાકીટવાળો શખ્સ દેખાયો
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી ની સામે જ આવેલા શ્રી ભીમાશંકર મહાદેવ ના મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા અને ટ્રાફિક પોલીસ ચોકી ની સામે જ આવેલા મંદિરમાં મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કરી મંદિરના દરવાજાનો નકૂચો તોડી અંદરથી દાન પેટીની ઉઠાંતરી કરી ભાગી છુટયો હતો, આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને પકડવા કવાયત હાથ ધરી છે. જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી ની સામે લોહાણા જ્ઞાતિની વાડી ની જગ્યામાં આવેલા ભીમાશંકર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ના પરોણા થયા હતા. રાત્રિના અઢી વાગ્યાના આસપાસના સમયે મોઢે કપડું બાંધી કાળા જાકીટ વાળો એક તસ્કર ત્રાટક્યો હતો, અને મંદિરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી નાખી અંદર પ્રવેશ કરી મંદિરમાંથી દાનપેટીની ઉઠાંતરી કરીને ભાગી છૂટ્યો હતો.
વહેલી સવારે મંદિરના પૂજારી દિપકપુરી મહારાજે મંદિર નો દરવાજો તૂટેલો જોતાં તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મંદિરમાં ચોરીના ઇરાદે ઘૂસેલા તસ્કરે મુખ્ય દ્વાર નો લોક અને નકુચો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને અંદર રાખેલી દાન પેટી લઈને ભાગી છૂટ્યો હતો, આસપાસના વિસ્તારમાં તેમજ લોહાણા જ્ઞાતિના મુખ્ય પ્રવેશ દ્વાર મા લગાવેલા સીસીટીવી કેમેરા વગેરેની ચકાસણી કરતાં રાત્રે અઢી વાગ્યાના અરસામાં કાળા જાકીટ પહેલો અને મોઢે રૂમાલ બાંધેલો તસ્કર અંદર ઘુસ્યો હતો. જે વર્ણનના આધારે પંચેશ્વર ટાવર અને આસપાસના વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરાઓ ની મદદથી તસ્કરની ભાળ મેળવવા માટે પોલીસ તંત્રએ કવાયત હાથ ધરી છે. ચોરીના આ બનાવને લઇને જામનગરમાં ભારે ચકચાર જાગી છે.