જામનગરના અને હાલ અમદાવાદ રહેતા ગાયનેક તબીબના બંધ મકાનના તાળા તોડી અંદર ઘુસેલ તસ્કરે સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જામનગરનું દંપતી અમદાવાદમાં ડોક્ટર તરીકેની ફરજ માટે ત્યાં સિફટ થયું છે. જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ફેસ-2 વિનાયક-2ની સામે રહેતા ડોક્ટર વિવેકભાઇ પ્રવિણચંદ્ર ક્કડના ઘરમાં તસ્કોરોએ પરોણા કર્યા છે. જેની વિગત મુજબ, ગત એક મેના રોજ બપોરથી રાત્રીના બાર વાગ્યા સુધીના ગાળામાં બંધ મકાનના દરવાજાના આક્ડીયાને તોડી કોઈ સખ્સો અંદર ઘુસ્યા હતા.
અંદર ઘુસેલા તસ્કરોએ રૂમના કબાટમાં રાખેલ રૂપિયા 1,31,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂ.37000 તથા 251 અમેરીકન ડોલર મળી કુલ રૂ.1,68000ની ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે ડોક્ટર વિવેકભાઈ અમદાવાદમાં માણેકબાગમાં આવેલ આર્ટ ફર્ટીલીટી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. જયારે તેમના પત્ની કામદાર વીમા હોસ્પિટલ અમદાવાદમાં જ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તબીબના માતા-પિતાને અમેરિકા રહેતી પુત્રીને ત્યાં જવાનું હોવાથી બંને જામનગરથી અમદાવાદ પુત્રને ત્યાં ગયા હતા. દરમિયાન બંધ રહેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.