એરિકા પામ, સ્પાઇડર પ્લાન્ટ, પીપળો, લીમડાનો ઉપાડ વધુ, રૂ. 60થી 3000 સુધીના છોડનું વેચાણ
જામનગરમાં કોરોના મહામારીમાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા ઓક્સિજન લેવલને જાળવી રાખવા ઘરે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. જેના ભાગરૂપે શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે અત્યારે લોકો પોતાની બાલ્કની અને અગાસીમાં ઓક્સિજન આપતા છોડ વાવી રહ્યા છે. આથી એરિકા પામ, સ્પાઇડર પ્લાન્ટ , પીપળો લીમડો, વડલો, રબર પ્લાન્ટ વગેરે જેવા છોડની માંગ ખુબ જ વધી છે, તેમ જામનગરના નર્સરીના વેપારીઓએ જણાવ્યું હતું.
કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. જેમાં અનેક લોકોના મૃત્યુ ઓક્સિજનના અભાવે થયા હતા. આથી લોકો પોતાનું ઓક્સિજન લેવલ વધારવા અને શુદ્ધ ઓક્સિજન મળે તે માટે ઘરની અગાસી અને ગેલેરી પર ઓક્સિજન વધારતા છોડ લગાવી રહ્યા છે. જેને કારણે એરિકન પામ, ફિસલીલી, સ્નેક પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ, પીપળો, લીમડો, વડલો, રબડપ્લાન્ટનું વેચાણ કોરોના બાદ 50 ટકા જેટલું વધ્યું છે.
ઇંધણના ભાવ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા છોડના ભાવમાં રૂ.50નો વધારો
નર્સરીમાં તમામ પ્રકારના ફુલ છોડ મળે છે. ઓકસિજન વધારતા તેમજ અન્ય ફુલછોડ પુના, આંધ્રપ્રદેશ, બરોડાથી આવી રહ્યા છે. પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતાં ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું બન્યું છે. જેની સીધી અસર ફૂલ છોડની કિંમત પર પડી છે. ફૂલછોડના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોગપ્રતિકારક શકિત વધારતા મોસંબી, દાડમ, જાંબુ જેવા છોડનું વેચાણ વધ્યું
કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ અને વિટામિન્સ વધારતા ફળ જેવા કે મોસંબી, સીતાફળ, અંજીર, દાડમ, જાંબુ, મોટા બોર વગેરેનું વેચાણ વધ્યું છે. આ ફુલછોડ રૂ. 60 થી 3000 સુધીના વેંચાઈ રહ્યા છે. આમ છતાં તેની નોંધપાત્ર ખરીદી લોકો દ્વારા થઇ રહી છે.