સાગર સંઘાણી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે ફાગણ ચૈત્ર માસમાં ચોમાનસુ બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ત્યારે ગઈ કાલે બપોર દરમિયાન વરસાદી ઝાપટું પડતા આસપાસના એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હોવાના કારણે સ્થાનિક લોકોએ પરેશાની વેઠવી પડી હતી, ઉપરાંત કેટલાક વાહનો પણ પાણીમાં ડૂબ્યા હતા. એક તો કમૌસમી વરસાદ અને બીજી તરફ ગટરના પાણીની સમસ્યા વેઠવી પડતા સ્થાનિકો ન ઘરના કે ન ઘાટના એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરના ગુરુદ્વારા આસપાસના વિસ્તારની છે જ્યાં પસાર થતી તળાવની વેસ્ટ વિયર કેનાલ કે જેમાં એક સ્લેબ ધરાસાઈ થઈ ગયો હોવાથી ગટરના પાણીનો નિકાલ બંધ થયો હતો, અને આસપાસના વિસ્તારમાં ગંદા પાણી ફેલાયા હતા. જેના કારણે સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, ઉપરાંત કેટલાક વાહનોમાં નુકસાની પણ થઈ હતી. બે થી ત્રણ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ સંપૂર્ણપણે ગટરના પાણીથી ભરાઈ ગયા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેના સંલગ્ન વેસ્ટ વિયર તળાવની કેનાલ કે જેને પણ નવો રૂટ આપવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે દરમિયાન ગુરુદ્વારા નજીક એક દિવાલના સ્લેબ ધસી જતાં ગટરના પાણીનો નિકાલ બંધ થયો હતો, અને આસપાસના રહેણાક- સોસાયટી વિસ્તારમાં ગંદાપાણી ફરી વળ્યા હતા.
આ બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ઇન્દિરા માર્ગ પર બનાવવામાં આવેલી નવી કેનાલ કે જેનો સ્લેબ નો હિસ્સો જેસીબી મશીન વગેરે થી તોડી પાડવામાં આવ્યો હતો, અને નવા સ્લેબમાં હોલ બનાવી તેમાંથી પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા પણ આ કામગીરી સમયે સ્થળ પર હાજર રહ્યા હતા. છ કલાકની જહેમત બાદ આખરે ગટરના ગંદા પાણી ઓસર્યા હતા, તે સમયે ગાળા દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી, અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી ગઈ હતી. ચોમાસા પહેલાં આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે, તો સ્થાનિક વિસ્તારમાં વરસાદી સીઝનના લોકોએ વધુ હાલાકી વેઠવી પડશે.