રાજય સરકાર વિકાસના મસમોટા દાવા કરી રહી છે. પરંતુ જામનગરમાં આ દાવા પોકળ પુરવાર થયા છે. કારણ કે, જામનગર જિલ્લામાં બે વર્ષમાં મંજૂર થયેલા 446.87 કીલોમીટરના માર્ગ હજુ બન્યા નથી. વર્ષ 2019-20 માં મંજૂર જામનગર, લાલપુર, જોડિયા, કાલાવડ, જામજોઘપુર તાલુકાના 9 માર્ગના કામ અધ્ધરતાલ છે. બે વર્ષમાં ફકત 77.25 કીમીના માર્ગ બન્યા છે. જયારે 115.44 કીમી માર્ગનું કામ પ્રગતિ હેઠળ છે. મહત્વના રસ્તાના કામ ન થતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, ખાસ અંગભૂત, ખાસ મરામત, સુવિધા પથ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ બનાવામાં આવે છે. આ માટે રાજય સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં વર્ષ 2019-20માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.1155 લાખના ખર્ચે ફકત 41.6 કીમીના માર્ગ બન્યા હતાં. 88 કીમીના માર્ગના કામ હજુ પ્રગતિ હેઠળ છે. વર્ષ 2020-21માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા 70 પૈકી એકપણ રોડનું કામ હજુ શરૂ ન થતાં સરકારના વિકાસના દાવા પોકળ પુરવાર થયા છે.
જિલ્લામાં બે વર્ષમાં માર્ગના કામની ફેકટફાઇલ
- 77.25 કીમી માર્ગના કામ પૂર્ણ થયા
- 115.44 કીમી માર્ગના કામ પ્રગતિ હેઠળ
- 36.7 કીમી માર્ગના વર્ષ 2019-20ના કામ બાકી
- 289.30 કીમી માર્ગના વર્ષ 2020-21ના કામ બાકી
- 89.27 કીમી માર્ગના પીએમજીએસવાય યોજનાના કામ બાકી
- 30.10 કીમી માર્ગના ખાસ મરામત યોજનાના કામ બાકી
ટેન્ડરમાં વિલંબ, મજૂરો ન મળતાં કામમાં અવરોધ
રાજય સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા માર્ગો બનાવામાં આવે છે. મંજૂરી બાદ થતી ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, જે સ્થળે માર્ગ બનાવવાનો છે તે સાઇટ પર પાણી ભરાવા, કોરોનાના કારણે કોન્ટ્રાકટરોને મજૂરો ન મળતા માર્ગના કામમાં અવરોધ આવતો હોવાનું જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું છે.
સૌથી વધુ કામ મુખ્યમંત્રી સડક યોજનાના બાકી
જિલ્લામાં બે વર્ષમાં સૌથી વધુ કામ મુખ્યમંત્રી સડક યોજનાના બાકી છે. જેમાં વર્ષ 2019-20ના 36.7 કીમી, વર્ષ 2020-21ના 289.30 કીમી માર્ગનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 89.27 કીમી માર્ગના પણ હજુ ઠેકાણા નથી.