જામનગરના એક નાગરિક પાસે સોલવન્સી કઢાવી દેવા માટે જામનગર મામલતદાર કચેરીના પટ્ટાવાળાએ રૃા.અઢી હજારની લાંચ માગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી ગઈકાલે એસીબીએ છટકું ગોઠવી પટ્ટાવાળાને પકડી પાડયો છે. બે દિવસમાં એસીબીએ બે સફળ ટ્રેપ કરતા લાંચિયા તત્ત્વોમાં ગભરાટ પ્રસર્યો છે.

જામનગરના એક નાગરિક પોતાના પુત્રના જામીન માટે ગ્રામ્ય મામલતદાર કચેરીએ ગયા હતા જ્યાં તેઓને સોલવન્સી જામીન આપવા પડશે તેમ જણાવવામાં આવતા આ નાગરિકે પોતાના મિત્રના નામની સોલવન્સી કઢાવવા તજવીજ કરી હતી.

આ નાગરિકને તે કચેરીમાં સિનિયર પ્યૂનની ફરજ બજાવતો રમણીકગીરી પરસોત્તમ ગોસ્વામી ભેટી ગયો હતો. તેણે સોલવન્સી કઢાવવા માટે રૃા.રપ૦૦ આપવા પડશે તેમ કહેતા આ નાગરિકે જામનગરની લાંચ-રૃશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા પીઆઈ એન.કે. વ્યાસે તેને ફરિયાદ નોંધાવી દેવા સુચના આપતા ફરિયાદ નોંધાવાઈ હતી જેના પગલે પીઆઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ એસીબીના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. છટકાના ભાગરૃપે ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે એસીબીનો સ્ટાફ ખાનગી વસ્ત્રોમાં ગ્રામ્ય મામલતદાર કચેરી પાસે ગોઠવાઈ ગયો હતો. તે દરમ્યાન ફરિયાદી બનેલા નાગરિકે રમણીકગીરીનો સંપર્ક કરી પૈસા લઈ જવા માટે કહેતા રમણીકગીરી આવ્યો હતો જેને એસીબી દ્વારા આપવામાં આવેલી પાવડરવાળી રૃા.અઢી હજારની ચલણી નોટો આપવામાં આવતા અને રમણીકગીરીએ તે સ્વીકારતા જ ધસી ગયેલા એસીબીના કાફલાએ રમણીકગીરીની અટકાયત કરી તેને એસીબી કચેરીએ ખસેડયો હતો જ્યાં પાવડરવાળી નોટો, તે નોટો જેમાં રાખવામાં આવી હતી તે કપડા વગેરે કબજે કરી વિધિવત ધરપકડ કરી હતી. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.