ધ્રાંગધ્રાહળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની જેમ વલ્લભ ધારવિયા પણ ભાજપનો કેશરીયો ધારણ કરે તેવી શકયતા

લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસને ભારે ફટકા પડી રહ્યા છે. હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ રાજીનામું આપ્યાની શાહી સુકાઈ નથી તેવામાં આજે ફરી જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સાબરીયાની જેમ તેઓ પણ ભાજપનો કેશરીયો ધારણ કરે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.

લોકસભાની ચુંટણીની ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપ પક્ષ ચુંટણીને લગતી તમામ તૈયારીઓમાં વ્યસ્ત થયો છે પરંતુ કોંગ્રેસ પક્ષ પોતાના સંગઠનને તુટતુ બચાવવા માટે મથી રહ્યું છે હજુ હમણાં જ હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

તેવામાં ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું હોવાનું જોવા મળ્યું છે. આજરોજ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ વિધાનસભા અધ્યક્ષને પોતાના હસ્તે રાજીનામા પત્રક સુપ્રત કર્યું છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા થોડાક દિવસોમાં વિધિવત રીતે કમલમ ખાતે પરસોતમ સાબરીયાની જેમ જ કેશરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ જવાના છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ પક્ષને વફાદાર મનાતા અગ્રણીઓ ભાજપમાં જઈ રહ્યા છે. તાજેતરમાં ઉંઝાના ધારાસભ્ય આશા પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કેશરીયો ધારણ કર્યો હતો.

બાદમાં ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પણ રાજીનામું આપીને કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. થોડા સમયથી જસદણના ધારાસભ્ય તેમજ કોળી સમાજના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજીભાઈ બાવળીયાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેશરીયો ધારણ કરીને કેબીનેટ મંત્રીનું પદ મેળવ્યું હતું. આમ કોંગ્રેસ લોકસભાની ચુંટણી પૂર્વે ધીમે-ધીમે તુટી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ ચુંટણી પ્રચારના કામ શરૂ કરે તે પૂર્વે જ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત થઈ જવા પામ્યું છે. હાલ કોંગ્રેસ પોતાનું સંગઠન યથાવત રાખવા માટે મથામણ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.