જામનગર સમાચાર
સેનાની ત્રણેય પાંખ, જિલ્લા પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત 3 હજારથી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો . સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આર્મી, એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેને મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલકટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ, નેવી કોમોડોર જે.એસ.ધનોવા, એરફોર્સ એર કોમોડોર શ્રી પુનિત વિધ, બ્રિગેડિયર સૌરભ વત્સ, શાશક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડમાં સેનાની ત્રણેય પાંખ, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ,જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી 3 હજારથી વધુ લોકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ દોડ વિવિધ બે કેટેગરીમાં યોજાઈ હતી જેમાં મહિલાઓ અને બાળકો માટે 3 કી.મી.તેમજ ઓપન દોડ 6 કી.મી.નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રૂટ એકની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી ગુજરાત ટ્રાવેલ્સ, શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન, શ્રદ્ધા હોસ્પીટલ, મિગ કોલોની, જંગલેશ્વર મહાદેવ મંદિર, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો, ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી.
જ્યારે રૂટ બે ની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 પાર્કિંગથી ભુજીયા કોઠા, ખંભાળિયા ગેઇટ, આયુષ હોસ્પીટલ મેઈન રોડ, એસ.ટી.બસ ડિપો, સાત રસ્તા, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો થઇ ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી.